વડોદરામાં પત્નીના અવસાન બાદ નરાધમ પિતાએ સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યુ

પ્રતિકાત્મક તસવીર

દેશમાં બળાત્કારની ઘટનાઓ અનેકવાર સમાચાર પત્રોની હેડલાઇન બને છે અને દેશમાં દુષ્મકર્મની કેટલીક ઘટનાઓના કારણે તો લોકો રસ્તા પર ઉતરીને ન્યાયની માંગ પણ કરે છે. નિર્ભયાકાંડ બાદ દેશમાં બળાત્કારીઓના મનમાં ખૌફ ઉભો થાય તે માટે અલગથી કાયદો પણ બનાવાયો છે તે છતા નરપિશાચી હેવાનો મહિલાઓથી લઇ બાળકીઓને પોતાનો શિકાર બનાવતા અચકાતા નથી. ત્યારે વડોદરામાં તો એક પિતા જ હવશની આગ ઓલવવા માટે પોતાની જ દીકરીને પિંખી નાંખી હતી.

વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેના વિશે સાંભળતા જ કોઇ પણ સમાન્ય વ્યક્તિને ગુસ્સો આવશે. વડોદરાના આ હેવાન પિતાએ પોતાની જ સગીર દીકરી પર દુષ્કર્મ આચરીને સંબંધો લજવ્યા છે. પત્નીના મૃત્યુ બાદ દીકરીને વાસનાની શિકાર બનાવી દીકરી ગર્ભવતી થતા તેને તરછોડી દીધી હતી. આ અંગે હાલ પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં પિતાએ પત્નીના અવસાન બાદ પોતાની સાથે રહેતી સગીર પુત્રીને કામવાસનાનો ભોગ બનાવી હતી. આ નરાધમ પિતાએ 17 વર્ષિય દીકરી પર વારંવાર બળાત્કા ગુજાર્યો હતો અને દીકરીને ગર્ભવતી બનાવી હતી. દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતા નરાધમ બાપે દીકરીને ઘરમાંથી કાઢી મુકી હતી.

જોકે 17 વર્ષિય સગીરા ગર્ભવતી બનતા પોતાની માસીને આ અંગે વાત કરી હતી. સગીરાની વાત સાંભળતા જ માસીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને જે બાદ કિશોરીની માસીએ સમગ્ર ઘટનાની પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સામે આવતા નરાધમ પિતા વિરૂદ્ધ લોકોમાં ફિટકારની લાગણી છે અને લોકો આ નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

 

Scroll to Top