ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ હવે આ સમાજ માગી રહ્યું છે અનામત

ગુજરાતમાં પાટીદાર સમાજે માગેલી અનામતની આગ હજુ ઠરી નથી ત્યાં વધુ એક સમાજે અનામતની માગ કરી છે. પાટીદાર અનામતના કારણે ગુજરાત દેશના નકશા પર આવી ગયું હતું અને હાર્દિક પટેલ જેવા યુવા નેતાનો ઉદય થયો હતો ત્યારે પાટીદાર અનામત આંદોલન બાદ હવે આ સમાજ પણ અનામતની માગ કરી રહ્યું છે. જી હા…. ગુજરાતમાં પાટીદારો એ અનામત માગી એ પછી હવે સોની સમાજ અનામતની માગ શરૂ કરી છે, ગુજરાત સોની સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. તો વળી, ચોરીના કેસોમાં સોનીઓ પર ખોટા કેસો કરવામાં આવે છે. તેવી અનેક  માંગણીને લઇને અમદાવાદમાં સોની સમાજની બેઠક યોજાઈ.

સુવર્ણકાર વિચાર મંચ દ્વારા આયોજિત આ બેઠકમાં અનામત મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી. ભારતના કેટલાક રાજ્યોમાં સુવર્ણકાર સમાજને અનામતનો લાભ આપવામા આવે છે. પરંતુ ગુજરાતના સોની સમાજને આ લાભ મળતો નથી..તેથી સીએમને પરિપત્ર આપીને પણ અનામતને લઈને રજૂઆત કરવાનું નક્કી થયુ છે.

રૂપાણી સરકાર, ભાજપ સંગઠન શોધે છે પાટીદાર અનામત આંદોલનનો ડેમેજ કન્ટ્રોલર

છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને ઠંડું પાડવા માટે ગુજરાત સરકાર કે સંગઠન પાસે કોઈ ડેમેજ કન્ટ્રોલર ન હોવાને કારણે આંદોલન અલગ-અલગ તબક્કામાં વારંવાર જોર પકડી રહ્યું છે. ખાસ કરીને પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલને સમજાવી શકે એવા બીજેપીમાં કોઈ પાટીદાર આગેવાન કે મંત્રી ન હોવાથી સરકાર પણ અસમંજસમાં મુકાઈ ગઈ છે. હવે ફરીવાર લોકસભાની ચૂંટણી સમયે હાર્દિક પટેલ અનામત આંદોલનનું રણશિંગુ ફુંકવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પાસે તેને અટકાવવા કે દબાવવા માટે બળ પ્રયોગ સિવાય બીજો કોઈ ઉકેલ રહ્યો નથી.

આંદોલન અટકાવવાની કોઈ વ્યૂહ રચના ન હોવાથી જતું રહ્યું કાબૂ બહાર

ગુજરાતમાં 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આનંદીબેન મુખ્યમંત્રી બન્યા તેના થોડા સમય બાદ પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી. તે દરમિયાન પણ સરકાર કે સંગઠન પાસે આ આંદોલનને અટકાવવા માટેની કોઈ વ્યૂહ રચના કે રણનીતિ નહોતી. જેના કારણે આ આંદોલન ધીમે ધીમે વેગ પકડતું ગયું અને આજે હાર્દિક પટેલ જેવો યુવાન પાટીદાર અનામતનો મોટો નેતા બની ગયો.

બળ પ્રયોગ કરતા વધુ ઉશ્કેરાયો પાટીદાર સમાજ

ગુજરાત સરકારે પાટીદારોને અનામત આપવા અંગે પ્રયાસો કરવાને બદલે અથવા તો પાટીદારોને સમજાવવાને બદલે તેમની સામે છેલ્લા ત્રણ વર્ષથી બળ પ્રયોગ કરતા પાટીદાર સમાજ વધુ ઉશ્કેરાયો હતો.

હાર્દિક પટેલ જેવા યુવાન સામે સરકાર વામણી પૂરવાર

આ પહેલા વિધાનસભા ચૂંટણી દરમિયાન બીજેપીએ ડેમેજ કન્ટ્રોલ કરવાને બદલે પાટીદાર અનામતના નેતાઓને ભાજપમાં લઈને આંદોલનને શાંત કરવાની રણનીતિ ઘડી હતી. પરંતુ તેમાં સફળતા મળી નહીં, ખાસ કરીને હાર્દિક પટેલ જેવા યુવાન સામે સરકાર વામણી પૂરવાર થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ એ છે કે, જો સરકારમાં કોઈ ડેમેજ કન્ટ્રોલર એટલે કે, પાટીદાર આગેવાનને હાર્દિક પટેલ સાથે વાટાઘાટો માટે મોકલવામાં આવ્યા હોત તો આ આંદોલન બંધ થઈ શક્યું હોત, પણ સરકારે વાતચીતના બદલે હાર્દિક અને તેના સાથીઓ સામે દબાણ વૃત્તિ જ અપનાવી હતી.

સમાજના રાજકીય આગેવાનો શા માટે ચૂપ છે?

પાટીદારોને અનામત આપવા મામલે બંધારણીય દ્રષ્ટીએ શું થઈ શકે? તે અંગે સૌ કોઈ ચર્ચા કરી ચૂકયા છે. આ મામલે પાટીદાર અગ્રણીઓ, ખોડલધામ અને ઉમિયાધામ જેવી અગ્રગણ્ય પાટીદાર સંસ્થાઓ, સમાજના રાજકીય આગેવાનો શા માટે ચૂપ છે? સમગ્ર રાજ્યમાં મહેનતકશ, પ્રગતિશીલ અને સંગઠનાત્મક મૂલ્યો માટે પંકાયેલા પાટીદાર સમાજની શાખ હાર્દિક પટેલ નામનો યુવાન દાવ પર લગાવી રહ્યો છે, ત્યારે શું સમાજને આ બધું મંજૂર છે?

હાર્દિકને તાબે કેમ થઈ જાય છે સરકાર?

હાર્દિકે ઉભી કરેલી અરાજકતા અને ટોળાશાહી સામે સરકાર શા માટે કોઈ નક્કર પગલાં લઇ શકતી નથી? આ પ્રકારની ટોળાશાહીને કોંગ્રેસ શા માટે પીઠબળ પૂરું પાડે છે ? સરકારની એવી તો શું નબળાઈ છે કે, તે વારંવાર હાર્દિકને તાબે થઇ જાય છે? સરકાર પાસે વિકાસના અને અન્ય જરૂરી કાર્યો નથી કે, આ માણસને ઠેકાણે પાડીને તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે ? વિરોધની આ પ્રથા હવે હદ વટાવી રહી છે. સરકારે આ મામલે હવે ઠોસપૂર્ણ-ગંભીરતાથી વિચારવું પડશે જ.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button