ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મિત્રો અને પરિવારજનોનો દાવો છે કે અગ્નિપથ યોજનાના કારણે તેણે આત્મહત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સેનામાં ભરતી માટેની લેખિત પરીક્ષા રદ્દ થયા બાદ યુવકે આત્મહત્યા કરી લીધી છે. ભરતી માટે કેન્દ્ર સરકારની યોજના ‘અગ્નિપથ’ વિરુદ્ધ કટક સહિત ઓડિશામાં ઘણા સ્થળોએ વિરોધ શરૂ થયો છે. આ સિવાય દેશના તમામ ભાગોમાં આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે.
ફિઝિકલમાં પાસ હતો, લેખિતની તૈયારી કરી રહ્યો હતો
બાલાસોર જિલ્લાના સોરોના ટેંટાઈ ગામનો રહેવાસી યુવક ધનંજય મોહંતી સેનામાં જોડાવા માટે સખત મહેનત કરી રહ્યો હતો. બુધવારે મોડી રાત્રે તેણે દોરડાની મદદથી છત પરથી ફાંસો ખાઈ લીધો હતો. મીડિયા સાથે વાત કરતા ધનંજયના મિત્ર પીતાબસ રાજે કહ્યું કે તે મારો સારો મિત્ર હતો. અમે છેલ્લા ચાર વર્ષથી સેનામાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા. મારા મિત્ર ધનંજયે દોઢ વર્ષ પહેલા ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી. તેમને સેના તરફથી લેખિત પરીક્ષાની ખાતરી મળી હતી. જો કે કોરોના દરમિયાન લેખિત પરીક્ષા ઘણી વખત મોકૂફ રાખવામાં આવી હતી. આખરે અગ્નિપથ યોજનાને કારણે તે રદ કરવામાં આવી હતી.
પ્રદર્શનના સમાચાર વોટ્સએપ ગ્રુપ દ્વારા મળ્યા હતા
મિત્રે જણાવ્યું કે વોટ્સએપ ગ્રુપ દ્વારા તેને ખબર પડી કે યુપી, બિહાર અને કોલકાતાના ઘણા યુવકોએ આત્મહત્યા કરી છે. આ બધું જોઈને ધનંજયનું માનસિક સંતુલન બગડી ગયું અને તેણે ગઈરાત્રે આપઘાત કરી લીધો. તેણે આત્મહત્યા કરતા પહેલા મને મેસેજ કર્યો હતો. મિત્ર પીતાબાસે કહ્યું કે આ સરકાર પર વિશ્વાસ ન કરો અને તેમને ક્યારેય વોટ ન આપો. મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે ‘અગ્નિપથ’ સ્કીમની જાહેરાત બાદ સેનાએ લેખિત પરીક્ષા રદ કરી હતી, જેના કારણે પુત્રએ આવું પગલું ભર્યું હતું. ધનંજયના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ધનંજયના મૃત્યુ બાદ તેના માતા-પિતા તેના અંગોનું દાન કરવા માંગતા હતા. પરંતુ સોરો હોસ્પિટલમાં અંગદાનની સુવિધાના અભાવે મૃતકના સ્વજનો તેમ કરી શક્યા ન હતા.