અમદાવાદમાં એસજી હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે થયેલ ડબલ અકસ્માતના કેસમાં સરકારે મોટી કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આગામી બે દિવસમાં આ કેસના બધા રિપોર્ટ આવી જવા જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં ચાર્જશીટ સાત દિવસમાં દાખલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. તેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૨૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં બે પોલીસ કર્મી સહિત નવ લોકોના મોત થયા છે. થાર અને ડમ્પર વચ્ચે ટક્કર થયા બાદ જગુઆર કાર પણ ટકરાઈ હતી. એવામાં થાર કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે ઊભા રહેલા લોકોને જગુઆર કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી કારમાં કોણ સવાર હતું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
જગુઆર કારના ડ્રાઈવરનું નામ તત્થ પટેલ છે અને તેની ઉંમર માત્ર 17 વર્ષ છે. એવું પણ સામે આવ્યું છે કે, ઘટના પછી ડ્રાઈવર તત્થ પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યાંના લોકોને ધમકાવ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જગુઆર ચલાવી રહેલ તત્થ પટેલની સાથે તેના પિતાની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પ્રજ્ઞેશ પટેલની ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવણી બહાર આવી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જગુઆરનો ડ્રાઈવર પોલીસની દેખરેખ હેઠળ છે. ડોક્ટરોના રિપોર્ટ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવશે. જગુઆરમાં બેઠેલા અન્ય યુવકોની પણ શોધ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે જગુઆર કાર કોઈ અન્યના નામે નોંધાયેલ છે. આ કાર તત્થ પટેલની હતી નહિ.
ઉલ્લેખનીય છે કે, જગુઆર કાર અંદાજીત 160 ની ઝડપે આવી રહી હતી. આ ઝડપે આવી રહેલી કાર દ્વારા અકસ્માત જોનારા લોકોને કચડી નાખવામાં આવ્યા હતા. આ લોકો 30 ફૂટ સુધી ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માત બાદ ઘટના સ્થળ પર ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું. આ અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ અને સિમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.