અમદાવાદની HL કોલેજના વિદ્યાર્થીનું રેગિંગ, માર મારી પેન્ટ ઉતારવા કહ્યું, વિધાર્થીએ પી લીધું ફિનાઈલ

અમદાવાદઃ શહેરની વિખ્યાત એચ.એલ. કોલેજમાં વિદ્યાર્થીનું રેગિંગ કરવાની ઘટના સામે આવી છે. એફ.વાય.બીકોમમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીના આરોપ મુજબ, તેને જાહેરમાં ડાન્સ કરાવીને અને પેન્ટ કાઢવાનું કહી રેગિંગ કરવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, તેને જાતિ વિષયક શબ્દો કહીને અપમાનિત કરી લાફા ઝીંક્યા અને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ 21 સપ્ટેમ્બરના રોજ ફીનાઈલ પણ પી લીધું હતું.આ અંગે ક્ષિતિજ રબારી, જય ભરવાડ, જયેશ રબારી અને અજમલ રબારી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

શું કહ્યું શિક્ષણમંત્રીએ

આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ પ્રકારની ગંભીર ઘટનાને ચલાવી લેવામાં આવશે નહીં અને સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

ત્રણ મહિનાથી કરતા હતા હેરાન

આ વિદ્યાર્થીની ફરિયાદ મુજબ, તેને છેલ્લા ત્રણેક મહિનાથી હેરાન કરવામાં આવતો હતો અને મોટર સાયકલની ચાવી લઈ ટપલી દાવ કરવામાં આવતો અને જાતિ વિષયક શબ્દો કહી જાહેરમાં ડાન્સ કરવાનું, પેન્ટ ઉતારવાનું, ગંદી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. 20 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી વિદ્યાર્થીને કોમર્સ છ રસ્તા પાસે આવેલી ચાની કીટલી પર બોલાવીને બે લાફા મારીને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી કહ્યું કે,રબારીના છોકરા વિરૂદ્ધ ફરિયાદ કરે છે.

વિદ્યાર્થી મૂળ રાજુલા તાલુકાના રહેવાસી

પીડિત વિદ્યાર્થીએ લખાવેલી ફરિયાદ મુજબ,આ વિદ્યાર્થી મૂળ રાજુલા તાલુકાના એક ગામનો છે. તેના પિતા ખેતી કામ તથા માતા ઘરકામ કરે છે. તેની કોલેજનો સમય બપોરના 12 વાગ્યાથી પાંચ વાગ્યાનો છે.

જાહેરમાં પેન્ટ ઉતારવાનું પણ કહેતા અને મા-બહેન સામી ગાળો આપતા

પીડિતે જુલાઈ 2018માં એચ.એલ.કોમર્સ કોલેજના એફ.વાય.બી.કોમ.ના સેમેસ્ટર-1માં એડમિશન લીધું હતું અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કોલેજની હોસ્ટેલમાં રહે છે. તેની કોલેજના કમ્પાઉન્ડ બહાર બેસતા ક્ષિતિજ રબારી, જયેશ ભરવાડ, જયેશ રબારી છેલ્લા ત્રણેક મહિનાથી તેને કોઈપણ કારણ વિના હેરાન કરે છે. જેમાં તેની પાસેથી મોટર સાયકલની ચાવી લઈ ટપલી દાવ કરે છે અને દલિત હોવાનું જાણતા હોવાથી જાતિ વિષે અપશબ્દો બોલે છે.

માત્ર એટલું જ નહીં, રિસેસમાં તેમની આગળ ડાન્સ કરવાનું કહે છે અને જો ના પાડે તો જાતિ વિષયક ટીપ્પણી કરી ગાળો ભાંડીને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. આથી તેના ડરના કારણે તે કહે તેમ કરતો હતો અને ત્રણેય શખ્સો જાહેરમાં પેન્ટ ઉતારવાનું પણ કહેતા અને મા-બહેન સામી ગાળો આપતા હતા.

કાઠલો પકડીને લાફો મારી દીધો

20 સપ્ટેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યે કોલેજ પુરી કરી મોટર સાયકલ લઈ હોસ્ટલ તરફ જઈ રહ્યો હતો ત્યારે કોલેજના ગેટ પાસે જયેશ રબારી, ક્ષિતિજ રબારી તથા અજમલ રબારી રોકીને ગાળો આપી કહેવા લાગ્યા કે, અમારી ફરિયાદ પ્રિન્સિપાલને કરવા જવાનો છે. ત્યાર બાદ કાઠલો પકડીને લાફો મારી દીધો હતો. જેથી આ ઘટના મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. રાઠોડને મળ્યો હતો અને તેમણે ફરિયાદ કરવાનું કહેતા વિચારીને ફરિયાદ કરીશ તેમ કહી નીકળી ગયો હતો.

ત્રાસથી કંટાળી ફીનાઈલ પી લીધું

આ દરમિયાન સાડા સાત-આઠ કોમર્સ છ રસ્તા પાસે આવેલી ચાની કીટપી પર બોલાવી તું રબારીના છોકરા સામે ફરિયાદ કરવા ગયો હતો તેમ કહી બે લાફા મારી દીધા હતા. તેમજ તેની પાસેની છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેણે ગભરાઈને મોડી રાત્રે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

ત્યાર બાદ 21 સપ્ટેમ્બરના રોજ કોલેજમાં રજા હોવાથી તે હોસ્ટેલ પર હાજર હતો ત્યારે આ રબારીના છોકરાઓ ખૂબ હેરાન કરતા હોવાથી તે ટેન્શનમાં આવી ગયો હતો અને મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવતા કોલેજ જઈને બાથરૂમમાં પડેલી ફીનાઈલ બોટલ અડધી જેટલી પી ગયો હતો. જેથી તેને ઉલ્ટીઓ થવા લાગી અને ચક્કર આવતા 108 એમ્બ્યુલન્સ અને 100 નંબર પર પોલીસને ફોન કરી જાણ કરી હતી. ત્યાર બાદ તેને શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here