ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.54.16 કરોડના ખર્ચ સાથેના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પાણી પુરવઠા અને સુએઝને લગતા કામો માટે રૂ. 21.18 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે માર્ગ અને મકાન સમિતિના કામો માટે રૂ. 29.76 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. મણિનગર, વસ્ત્રાલ, ચાંદલોડિયા, થલતેજ સહિત કેટલીક જગ્યાએ પાણી પુરવઠા અને સુએઝને લગતા કામો માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ રૂ.54.16 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં ભૂગર્ભ ટાંકી અને પંપ હાઉસ બનાવવાની કામગીરી રૂ.8.99 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત જાસપુર વોટર વર્કસ ખાતે 275 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર હાઉસના અપગ્રેડેશન માટે રૂ. 5.17 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. મણિનગર, વસ્ત્રાલ, ચાંદલોડિયા, થલતેજ સહિત કેટલીક જગ્યાએ પાણી પુરવઠા અને સુએઝને લગતા કામો માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
જ્યારે પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારોમાં 24 કરોડના ખર્ચે રોડનું રિગ્રેડેશન કરીને રિસરફેસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. વિવિધ ભાગોમાં માર્ગ અને મકાન સમિતિના કુલ 29.76 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. શહેરની એલ.જી હોસ્પિટલના આંખ વિભાગમાં આધુનિક મશીનો લાવવા માટે 39 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.