ઓલિમ્પિક્સ 2036નું અમદાવાદમાં થઈ શકે છે આયોજન, ગુજરાત સરકારે શરૂ કરી તૈયારી

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા બાદ અનેક ક્રિકેટ મેચો રમાઈ ચૂકી છે. જોકે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે આગામી વર્ષ 2036ની ઓલિમ્પિક્સ રમાડવા માટે અમદાવાદે અત્યારથી જ કમર કસી છે. અમદાવાદની 2036ની ઓલિમ્પિક્સની પ્રબળ દાવેદારી માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ સારી રીતે ઊભી કરી શકાય તે માટે ઔડાએ સર્વે કરવા માટે ટેન્ડર બહાર આપ્યું છે. ત્યારબાદ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને હોટલો સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વે માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એક એજન્સી નિમણૂક કરશે. જે ત્રણ હિનામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને ઓલિમ્પિક્સ યોજવા અંગેની બાબતોનો રિપોર્ટ આપશે.

અમદાવાદમાં ઓલિમ્પિક્સનું આયોજન થાય તે પહેલા ઔડાએ તૈયારીઓ શરૂ કરી છે અને ઓલિમ્પિક્સને લગતી તમામ બાબતો અંગેના સર્વે માટે એજન્સી હાયર કરવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે. ત્યારે એક એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઓલિમ્પિક્સના આયોજન પાછળ 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

અમદાવાદે ઓલિમ્પિક માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે એક પ્રશ્ન એ પણ થાય કે 2036માં જ કેમ અમદાવાદમાં ઓલિમ્પિક યોજાશે? જોકે વાત જાણે એમ છે કે 2028 સુધી ઓલિમ્પિક્સના તમામ વેન્યૂ બૂક થઈ ગયા છે. અને હાલમાં 2032ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે. 2020ની ઓલિમ્પિક્સ ટોક્યોમાં યોજાવાની હતી. જે કોવિડના કારણએ 2021માં યોજાશે. જ્યારે 2024ની ગેમ્સ પેરિસમાં, 2028માં લોસ એન્જલસમાં યોજાશે. 2032 માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેને પ્રિફર્ડ વેન્યૂ જાહેર કર્યા છે. ત્યારે 2036ની ઓલિમ્પિક માટે અમદાવાદે દાવેદારી નોંધાવી છે.

ઓલિમ્પિકના આયોજના પૂર્વે સર્વે માટે ટેન્ડર બહાર પાડીને એક એજન્સીની નિમણૂંક કરવામાં આવશે. જે ઓલિમ્પિક યોજવા બાબતે ખૂટતી બાબતોનું ધ્યાન દોરશે. રિપોર્ટમાં હોસ્ટ તરીકે અમદાવાદમાં ગેમ્સ અને ટ્રેનિંગ માટે સ્ટેડિયમ્સ, હોટલ્સ, ગેમ્સ વિલેજ, રસ્તા, ટ્રાન્સપોર્ટ, પાવર, સેનિટેશન વગેરે તમામ જરૂરિયાતોની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરાશે. આ ઉપરાંત આ સુવિધાઓ ઊભી કરવા માટે જરુરી બજેટની જોગવાઇઓનું અનુમાન પણ એમાં કરવામાં આવશે.

અમદાવાદમાં ઓલિમ્પિકનું આયોજન કરવાનું હોય તો કેટલીક એવી સુવિધાઓ છે જેના ઉપર વધારે ધ્યાન આપવું પડશે. વિશ્વકક્ષાના સ્ટેડિયમ, સુરક્ષા વ્યવસ્થા, હોટલ્સનું નિર્માણ જરૂરી છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલથી સરળતાથી જઈ શકાય એવું અદ્યતન ગેમ્સ વિલેજ, ઓલિમ્પિકસ યોજી શકાય એવા વિશ્વસ્તરીય સ્ટેડિયમો બનાવવાં પડશે. હજારો રમતવીરો, અધિકારીઓ, ટૂરિસ્ટોના રોકાણ માટે હોટલ્સ અને મકાનોનું નિર્માણ. ટ્રાન્સપોર્ટેશન સુવિધા સાથે વિશાળ રસ્તા ઉપર વધારે ફોકસ કરવું પડશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો