આજે અમદાવાદમાં રમાશે IPL ફાઈનલ, જાણો કેવું રહેશે વાતાવરણ

IPL 2023ની ફાઈનલ મેચ ગઈકાલે યોજાવાની હતી, પરંતુ વરસાદ પડવાના કારણે આખી મેચ ધોવાઈ ગઈ હતી. ટોસ પણ થઈ શક્યો ન હતો. હવે આ ફાઈનલ મેચનો નિર્ણય રિઝર્વ ડે પર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પરંતુ આજે પણ અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના છે. આ સ્થિતિમાં રિઝર્વ ડે પર પણ આ મેચ યોજવી મુશ્કેલ લાગે છે.

આજે વરસાદની 40 ટકા સંભાવના
Accuweather અનુસાર અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે વરસાદ પડવાની 40 ટકા સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે અને પવનની ગતિ 32 કિમી પ્રતિ કલાક સુધી રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગે આપી ચેતવણી
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો સાંજે વરસાદ પડે તો IPL ફાઈનલમાં ખલેલ પડી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર ભરૂચ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાઠા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે.

સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વરસાદની સંભાવના
સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ છે. આ સાથે ઉત્તર મધ્ય પ્રદેશ અને પાકિસ્તાનની નજીક પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. એકસાથે ત્રણ સિસ્ટમ હોવાને કારણે ભારે પવન સાથે વરસાદ પડવાણી સંભાવના છે.

Scroll to Top