\ગુજરાતમાં વધુ એક નવજાત શિશુને તરછોડવામાં આવ્યું હોવાનું ઘટના સામે આવી છે. તેમ છતાં આ વખતે તેની માતા નવજાત શિશુને મુકીને ચાલી જાય તે પહેલા જ પોલીસને સોંપી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં યુવતીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતી મિઝોરમની હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગરના પેથાપુરની ઘટનાના હજુ થોડા દિવસો જ થયા છે અને ત્યાં અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. તેમ છતાં નવજાત શિશુને મુકી ફરાર થવા જઈ રહેલી યુવતીને ઝડપી પાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગત 13 ઓક્ટોબરના રોજ વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદ નગર-4 ના જે બ્લોકના ત્રીજા ફ્લોરના પગથિયા ઉપર આરોપી માતા નવજાત શિશુને મુકી નાસી રહી હતી. તે દરમિયાન સ્થાનિકોને ખ્યાલ આવી ગયો કે, કોઈ બાળક ત્યાં મુકીને જઈ રહ્યું છે તેથી ત્યાના લોકોએ તેને પકડીને પોલીસને આ વિશેમાં જાણ કરી દીધી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક ત્યાં આવીને મહિલાની અટકાયત કરી હોસ્પિટલ મોકલી દેવામાં આવી છે.
આ બાબતમાં પોલીસ દ્વારા નવજાત શિશુની માતાની તપાસ શરૂ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે મૂળ મિઝોરમની છે. તે ચાંદલોડિયાના એક સ્પા માં કામ કરી જીવન પસાર કરતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સુનિલ નામનો તેનો પ્રેમી હતો અને જેનાથી આ બાળક જનમ્યું હતું. તેમ છતાં બંનેના લગ્ન થયા નહોતા અને સુનિલ પણ 5 મહિના પહેલા યુવતીને મુકીને ચાલ્યો ગયો છે. તેના કારણે આ બાળક તેને ત્યજી દેવાનું મન બનાવી લીધું હતું.
જ્યારે અત્યારે માતા અને નવજાત શિશુ બંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા સુનિલની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે અને હાલ તો નવજાત શિશુની માતા સામે ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી રહી છે. તપાસમાં અન્ય ગુનો પણ દાખલ કરવામાં આવી શકે છે.