અમદાવાદના PIએ નશામાં ધુત બની કર્યા ગંદા ઇશારા, મહિલા પત્રકારે 20 KM સુધી પીછો કરી આંતર્યા

અમદાવાદ: રાજ્યમાં દિવસેને દિવસે મહિલાઓની સલામતી જોખમાઈ રહી છે. તેમજ લોકોને કાયદાનો ડર પણ રહ્યો નથી, તેમાં પણ જ્યારે કાયદાનો રખેવાળ જ કાયદાને ઘોળીને પી જાય ત્યારે બીજા લોકોની તો વાત જ શું કરવી. ગત 14 સપ્ટેમ્બરની રાત્રે એક આવો જ કિસ્સો બન્યો હતો. શુક્રવારની રાત્રે ચોટીલા હાઈ વે ઉપર પોલીસ જીપમાં જઈ રહેલા પોલીસ ઈન્સપેક્ટરે ખાનગી કારમાં સવાર મહિલાને ગંદા ઈશારા કર્યા હતા.આ દરમિયાન અમદાવાદની એક મહિલા પત્રકાર પોતાની ટીમ સાથે તરણેતરના મેળાનું રિપોર્ટીંગ કરી પરત ફરી રહી હતી. તેણે આ દ્રશ્ય જોતા જ પોલીસની જીપનો 20 કિલો મીટર સુધી પીછો કરીને જીપ આંતરી હતી. ત્યાર બાદ તપાસ કરતા ખુદ પોલીસ ઈન્સપેક્ટર દારૂના નશામાં ધુત હોવાનું માલુમ પડ્યું હતું. જેને કારણે તેમને ચોટીલા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ જીપમાં બેઠેલા અધિકારીએ ડ્રાઈવરને ગાળો આપી અને મહિલાને ગંદા ઈશારા કર્યા

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદની એક ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવતી મહિલા પત્રકાર અને તેમના કેમેરામેન તરણેતરના મેળાનું કવરેજ કરવા અમદાવાદથી ગયા હતા. શુક્રવારની રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે તેઓ મેળામાંથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે હાઈવે ઉપર તેમની કાર પાછળ આવી રહેલી એક પોલીસ જીપનો ડ્રાઈવર સતત હોર્ન મારી રહ્યો હતો. જેને પગલે ટીવી ટીમના ડ્રાઈવરે તેને સાઈડ આપતા ઓવરટેક કરી રહેલી પોલીસ જીપમાં બેઠેલા અધિકારીએ ડ્રાઈવરને ગાળો આપી હતી. આ દરમિયાન અન્ય એક કારને પણ ઓવરટેક કરી ત્યારે તેમાં બેઠેલી મહિલા સામે પોલીસે ગંદા ઈશારા કર્યા હતા.

મહિલા પત્રકારે કર્યો પીછો

આ દ્રશ્ય જોઈ મહિલા પત્રકારે પોતાના ડ્રાઈવરને પોલીસની જીપનો પીછો કરવાનું કહ્યું હતું. એક તબક્કે તેઓ પોલીસ જીપની નજીક પહોંચી ગયા હતા. પરંતુ પોલીસને કારમાં પત્રકાર હોવાની ખબર પડતા પોલીસે જીપ મારી મુકી હતી. આ દરમિયાન આ બનાવ અંગે પોલીસ કંટ્રોલરૂમને પણ જાણ કરવામાં આવી હતી. મહિલા પત્રકારની કારે 20 કિલોમીટર સુધી પોલીસની જીપનો પીછો કરી તેને આંતરી હતી.

અમદાવાદ સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા પીઆઈ હતા પીધેલી હાલતમાં

આ દરમિયાન ડીવાયએસપી જાડેજાએ ચોટીલા પોલીસને જાણ કરતા ઈન્સપેક્ટર પરમાર પણ હાઈવે ઉપર રવાના થયા હતા અને આનંદપુર પાસે પોલીસની જીપને આંતરી લેવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ જીપમાં રહેલા ઈન્સપેક્ટર અંગે તપાસ કરતા અમદાવાદ સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા અને તરણેતરના મેળામાં બંદોબસ્ત બજાવી પરત ફરી રહેલા ઈન્સપેક્ટર કનૈયાલાલ ડામોર નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. ચોટીલા પોલીસે તેમની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જો કે જીપમાં અન્ય પોલીસે નશો ન્હોતો કર્યો પણ આ મામલે કોઈ મહિલાની છેડતી કર્યાની ફરિયાદ આપવાનો ઈન્કાર કરતા ઈન્સપેક્ટર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here