VIDEO: ભારે તોફાન વચ્ચે એર ઈન્ડિયાના પાઈલટોએ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કર્યું

યુનિસ વાવાઝોડાને કારણે યુનાઇટેડ કિંગડમમાં સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. તેમનો રૂટ ડાયવર્ટ કરવો પડ્યો હતો અથવા ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. દરમિયાન, એર ઈન્ડિયાની બે ફ્લાઈટ્સના પાઈલટોએ શુક્રવારે બપોરે લંડનના હીથ્રો એરપોર્ટ પર તેમના બોઈંગ ડ્રીમલાઈનર એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ કરીને કુશળતા અને કૌશલ્યનું અદભૂત પ્રદર્શન કર્યું હતું.

‘બિગ જેટ ટીવી’ નામની યુટ્યુબ ચેનલે કર્યું લાઈવ સ્ટ્રીમિંગ
યુનિસ વાવાઝોડું હીથ્રો એરપોર્ટ રનવે નંબર 27L પર ટોર્નેડોનું કારણ બની રહ્યું હતું. દરમિયાન, ‘બિગ જેટ ટીવી’ નામની યુટ્યુબ ચેનલે એર ઈન્ડિયાના બંને વિમાનોના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. વીડિયોમાં કોમેન્ટેટરને એમ કહેતા સાંભળી શકાય છે કે, “આ ભારતીય પાયલટ ખૂબ જ કુશળ છે.” તમારી માહિતી માટે, અમે તમને જણાવીએ દઈએ કે ‘બિગ જેટ ટીવી’ યુટ્યુબ ચેનલ એરોપ્લેનના ટેક-ઓફ અને લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કરે છે.

એર ઈન્ડિયાએ પણ તેના બંને પાઈલટોના વખાણ કર્યા છે. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, “અમારા કુશળ પાઈલટોએ તેમના વિમાનોને લંડનના હીથ્રો એરપોર્ટ પર એવા સમયે લેન્ડ કરાવ્યા જ્યારે અન્ય ઘણી એરલાઈન્સ આવું કરી શકતી ન હતી.” યુનિસ વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને, હીથ્રો એરપોર્ટ પ્રશાસને ઘણા વિમાનોને તેમના લેન્ડિંગને રદ કરવા અને હવામાં થોડો સમય રાહ જોવા માટે કહ્યું હતું, જેને ઉડ્ડયન ઉદ્યોગની ભાષામાં “ગો-અરાઉન્ડ” કહેવામાં આવે છે.

આ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે લેન્ડિંગ વખતે, તોફાનના કારણે, પ્લેન પોતાનું સંતુલન ગુમાવી શકે છે અને તે રનવે પરથી સરકી શકે છે. જો કે, એર ઈન્ડિયાના બંને પાઈલટોએ તેમના શ્રેષ્ઠ અનુભવ અને કૌશલ્યને રજૂ કરતા ભારે તોફાન વચ્ચે પણ સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળતા મેળવી હતી. યુનિસ વાવાઝાને કારણે લંડન પ્રથમ વખત “રેડ એલર્ટ” પર હતું. 1987માં બ્રિટન અને ઉત્તરી ફ્રાન્સમાં ત્રાટકેલા “ગ્રેટ સ્ટોર્મ” પછી તે યુરોપના સૌથી શક્તિશાળી તોફાનોમાંનું એક હતું.

યુનિસ વાવાઝોડાને કારણે ઈંગ્લેન્ડમાં 140,000 થી વધુ ઘરો અને આયર્લેન્ડમાં 80,000 ઘરો અને વ્યાપારી સંસ્થાઓમાં પાવર આઉટ થયો હતો. લાખો લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી, કારણ કે હવામાન વિભાગે તોફાનને કારણે તેમને બહાર જવાની મનાઈ ફરમાવી હતી. આ વાવાઝોડાએ પશ્ચિમ યુરોપમાં ફ્લાઈટ્સ, ટ્રેનો અને ફેરી સેવાઓને પણ ભારે પ્રભાવિત કરી હતી.

Scroll to Top