ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો મંગળવારે 55મો જન્મદિન છે. જોકે, આ નિમિત્તે તેઓ અમદાવાદ આવવાના નથી, પરંતુ વિવિધ સંસ્થાઓ તેમજ ગાંધીનગર સંસદીય મતવિસ્તારના કાર્યકરો, શુભેચ્છકો દ્વારા અમિતભાઇના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો, લોકાર્પણોના આયોજન કરાયા છે.
પીએમ મોદીએ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં કહ્યુ કે, કર્મઠ અનુભવી, કુશળ સંગઠનકર્તા અને મંત્રીમંડળમાં મારા સહયોગી અમિત શાહજીને જન્મ દિવસની અનેક શુભ કામનાઓ. ભાજપ ના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આજે 55 વર્ષ પૂરા થયા. તેમનો જન્મ 22મી ઑક્ટોબર 1964ના રોજ મુંબઇના સંપન્ન ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કુસુમબેન અને પિતાનું નામ અનિલચંદ્ર શાહ છે. અમિત શાહને હાલ રાજકાનીતિના ચાણક્ય મનાય છે. જો કે તેમની શેર બ્રોકરથી રાજનીતિના શહેનશાહ બનવા સુધીની સફર ખૂબ જ દિલચસ્પ છે. અમિત શાહે જ્યારે ભાજપના અધ્યક્ષની કમાન સંભાળી ત્યારથી પાર્ટીએ કેટલાંય મુકામ પ્રાપ્ત કર્યા.
જો કે તેમને રાજનીતિ વારસામાં મળી નથી. અમદાવાદથી બાયકેમેસ્ટ્રી સાથે બીએસસી કર્યા બાદ અમિત શાહે પોતાના પિતાના પ્લાસ્ટિકના પાઇપના વેપારને સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે સ્ટોક માર્કેટમાં પગ મૂકયો અને શેરબ્રોકર તરીકે કામ કર્યું. જ્યારે રાજકારણમાં પગ મૂકયો પછી પાછુ વળીને જોયું નથી.
પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, સરકારમાં બહુમૂલ્ય ભૂમિકા નિભાવવાની સાથે જ તેઓ ભારતને સશક્ત અને સુરક્ષિત કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ઈશ્વર તેમને દીર્ઘાયુ કરે અને હંમેશા સ્વસ્થ રાખે. દરમિયાન, ઘાટલોડિયા મતવિસ્તારની તમામ આંગણવાડીઓમાં કાર્યકરો દ્વારા ફળ વિતરણ કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી સરકારી શાળાઓ, બહેરા-મૂંગા શાળાઓ, ઘરડાંઘરોમાં પણ આ નિમિત્તે ‘અમૂલ કૂલ’નું વિતરણ કરાશે.
પાટણમાં સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાશે. જ્યારે હિંદુ અનાથ શ્રમમાં ભોજન કરાવશે. સેવા વસતિમાં સાડી વિતરણ કરવામાં આવશે. બહુચરાજી સ્થિત પ્રસિદ્ધ બહુચરાજી માતાના મંદિરે અમિતભાઇના દીર્ઘાયુ માટે નવચંડી યજ્ઞનું આયોજન પણ ભાજપ દ્વારા કરાયું છે.
અમિત શાહના જન્મ દિવસે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ પણ ટ્વિટ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તેઓએ શુભેચ્છા આપવાની સાથે જ કહ્યુ કે, દેશના ગૃહ મંત્રીના રૂપમાં તેઓ આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે. હું તેમના દીર્ઘાયુ થવાની અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ પણ ગૃહ મંત્રીને જન્મ દિવસની શુભેચ્છા આપવાની સાથોસાથ કહ્યુ કે, આવી જ કર્મઠતા સાથે આપના હસ્તે દેશની સેવા થતી રહે.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકની મંગળવારે 200મી શાખાનું ગોતા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. આ પ્રસંગે અતિથિ વિશેષપદે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહકાર રાજ્યમંત્રી દશરથ પટેલ ઉપસ્થિત રહેશે, તેમ એડીસી બેંકના ચેરમેન અજય પટેલે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન તથા નાબાર્ડના સીએમડી ડી.કે. મિશ્રા પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે.