અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિકોલ વિસ્તારના પાંચ મોટા મેદાનને પાર્કિંગ સ્લોટમાં ફેરવી કાઢ્યા છે. હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ આમરણંત ઉપવાસ ક્યાં કરશે?
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે પાટીદારોની અનામતની માંગ અને ખેડૂતોની સમસ્યાઓને અનુલક્ષીને તે 25મી ઓગસ્ટથી પાટીદાર બહુમતી ધરાવતા નિકોલ વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેસશે. હાર્દિકે સૌથી પહેલા શુકન ચારરસ્તા પાસે આવેલા પ્લોટની પરમિશન લીધી હતી, પરંતુ ગયા અઠવાડિયે તે પ્લોટને પાર્કિંગમાં ફેરવવામાં આવ્યો. રવિવારના રોજ અન્ય ચાર મેદાનને પણ પાર્કિંગ પ્લોટમાં ફેરવવામાં આવ્યા.
AMCએ ત્યાં બોર્ડ મુક્યા છે કે, આ ગ્રાઉન્ડ પર વાહન ફ્રીમાં પાર્ક કરી શકાશે. AMCના અધિકારીઓએ જણાવ્યું કે, શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવના ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે પાટીદાર અનામત આંદોલન સમિતીના લીડર્સનું કહેવું છે કે હાર્દિક પટેલના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માટે સરકારના હસ્તક્ષેપથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાર્દિકે કહ્યું કે, સરકાર અને પ્રશાસને જાણીજોઈને તે ગ્રાઉન્ડ્સને પાર્કિંગ પ્લોટમાં ફેરવ્યા છે, પરંતુ મારા સમાજના લોકો અને હું લડવા માટે તૈયાર છીએ. હું નિકોલમાં જ ઉપવાસ કરીશ અને જો કોઈ અડચણ આવશે તો અમે અમારા અધિકારો માટે લડીશુ. જો વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ન જળવાય તો પછી તેની જવાબદારી પોલીસ અને સરકારની રહેશે.
હાર્દિક પટેલ અને અન્ય પાસના સભ્યોએ પોલીસ કમિશનર એ.કે.સિંહ અને AMCના કમિશનર વિજય નેહરાની મુલાકાત લીધી હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. હાર્દિક જણાવે છે કે તે પોતાના કેસના કારણે વસ્ત્રાલ વિસ્તારમાં ઉપવાસ પર ન બેસી શકે.