આજે ભારતના ટોચના CEOની વાત થાય ત્યારે એ.એમ નાઈકનું નામ તો લેવું જ પડે. એક વખત એવો પણ હતો કે તેમને લાગતુ હતુ કે તે L&Tમાં 1000 રૂપિયા પગાર સાથે રિટાયર થઈ જશે પરંતુ તેમણે દેશના અગ્રણી ગૃપ L&Tના સર્વેસર્વા તરીકે વર્ષો સુધી રાજ કર્યું.
અમારા સહયોગી અખબાર ઈકોનોમિક ટાઈમ્સ સાથેની વાતચીતમાં નાઈકે જણાવ્યું, “મેં આવુ બિલકુલ નહતુ ધાર્યું. મને એમ હતુ કે મને 1000 રૂપિયા પગાર મળશે ત્યારે હું રિટાયર થઈ જઈશ. પરંતુ પહેલા જ વર્ષે મને આટલો પગાર મળવા લાગ્યો. હું કંપનીમાં જોડાયો ત્યારે મારો પગાર રૂ. 670 હતો. કન્ફર્મેશન સાથે જ પગાર 760 થઈ ગયો. એન્યુઅલ રિવ્યુ પછી મને રૂ. 950 મળવા માંડ્યા. એક મહિના પછી યુનિયન એગ્રીમેન્ટ થયો અને બધાને પગારમાં 75 રૂપિયાનો વધારો થયો. આમ મને પહેલા જ વર્ષમાં રૂ. 1025 પગાર મળવાનો શરૂ થઈ ગયો. ”
નાઈક L&Tમાં એન્જિનિયર તરીકે જોડાયા હતા. ત્યારે કંપનીના કર્મચારીઓને સ્ટોક ઓપ્શન્સ એલોટ કરવામાં આવ્યા હતા. જેમ જેમ કંપની મોટી થતી ગઈ તેમ સ્ટોકની વેલ્યુ વધતી ગઈ અને કર્મચારીઓ મિલિયોનેર્સ અને કરોડપતિ બની ગયા. નાઈકે જણાવ્યું, “હવે બધા જ ખૂબ સમૃદ્ધ રીતે રિટાયર થઈ રહ્યા છે.” તે હવે તેમની સંપત્તિ દાન કરી દેવા માંગે છે. બે વર્ષ અગાઉ એમણે કંપનીમાંથી સક્રિય લીડરશીપમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈ લીધો છે. નાઈકે જાહેર કર્યું કે તે પોતાની 75 ટકા સંપત્તિ દાન કરી દેવા માંગે છે.
તેમણે જણાવ્યું કે મારા પુત્ર અને પુત્રવધૂ જિજ્ઞેશ અને રિચાએ જ મને સંપત્તિ દાન કરવા પ્રોત્સાહન આપ્યું છે. તેમણે મારા નિર્ણયો સામે ક્યારેય વાંધો નથી ઊઠાવ્યો. તેમણે હંમેશા મારા પ્લાન્સને સપોર્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નાઈક તેમની જન્મભૂમિ ગુજરાતમાં કેન્સર હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, આય હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ બનાવવા માંગે છે. આ તમામ હોસ્પિટલ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના નામ હેઠળ બનશે. નાઈકની પૌત્રી નિરાલી બે વર્ષની વયે કેન્સરથી મૃત્યુ પામી હતી. પોતાના બાળકોને યુ.એસ મોકલવાના નિર્ણયને તે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ ગણાવે છે. તેમનો દીકરો ભણવા માટે યુ.એસ ગયો હતો અને દીકરી પરણીને. આજે બંને યુ.એસમાં વૈભવશાળી જીવન જીવે છે.
નાઈક કરોડોપતિ હોવા છતાંય તેમની સાદગી ઊડીને આંખે વળગે તેવી છે. તેમના વોર્ડરોબમાં માત્ર છ શર્ટ, ત્રણ સૂટ અને બે જોડી શૂઝ છે. તેમને પૈસાની કિંમત સમજાય છે. તેમને બીજા પાસે પૈસા માંગવા નથી ગમતા કારણ કે તેમને અનુભવ થઈ ચૂક્યા છે કે લોકો પહેલા તો પૈસા ડોનેટ કરવા તૈયાર થઈ જાય છે પણ પાછળથી આપતા નથી. આથી તેમણે નક્કી કર્યું કે તે પોતાની પાસે રહેલા પૈસામાંથી જ બધા સમાજસેવાના કામ કરશે.