લંડન માં 300 એકર જમીન ખરીદ્યા બાદ અંબાણી પરિવારે વિદેશ માં સ્થાયી થવા બાબતે આપ્યું નિવેદન

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 4,00,000 ચોરસ ફૂટના નિવાસસ્થાન એન્ટિલિયામાં રહે છે. તાજેતરના અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે અંબાણી પરિવાર બકિંગહામશાયરના સ્ટોક પાર્કમાં 300 એકરમાં ફેલાયેલી કન્ટ્રી ક્લબને તેમનું પ્રાથમિક નિવાસસ્થાન બનાવે તેવી અપેક્ષા છે.

આ ડીલ બાદ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લંડનમાં સ્થાયી થયા હોવાના અહેવાલ છે. રિલાયન્સ ગ્રૂપે એક નિવેદન બહાર પાડીને અંબાણી પરિવારના લંડનમાં સ્થાયી થવાના કે રહેવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

રિલાયન્સ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક અખબારે અંબાણી પરિવારની સ્ટોક પાર્ક, લંડનમાં આંશિક રીતે રહેવાની યોજના વિશે અહેવાલ આપ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ગેરવાજબી અને પાયાવિહોણી અટકળોને જન્મ આપ્યો છે.” કંપનીએ કહ્યું કે અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અંબાણી અને તેમના પરિવારની લંડન અથવા વિશ્વના અન્ય કોઈ ભાગમાં રહેવા કે સ્થાયી થવાની કોઈ યોજના નથી.

રિલાયન્સ ગ્રુપે કહ્યું કે તેની ગ્રુપ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ લિમિટેડે તાજેતરમાં સ્ટોક પાર્ક એસ્ટેટ હસ્તગત કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરી કે આ હેરિટેજ પ્રોપર્ટી ખરીદવાનો હેતુ તેને ગોલ્ફિંગ અને સ્પોર્ટિંગ રિસોર્ટ બનાવવાનો છે. આ માટે સ્થાનિક નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે.

 

Scroll to Top