Economic Intelligence Unit દ્વારા દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ યાદીમાં ઇઝરાયલના તેલ અવીવ દુનિયાનું સૌથી મોંઘુ શહેર છે. જ્યારે આ યાદીમાં અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર કરવામાં આવ્યું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા ‘વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે 2021’ રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. આ રિપોર્ટમાં વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવેલ છે.
જ્યારે આ યાદીમાં અમદાવાદ સિવાય ભારતના એક પણ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. WCOL ઇન્ડેક્સમાં અમદાવાદને 37 પોઇન્ટ પ્રાપ્ત થયા છે અને તેને 167 મું રેન્ક મળતા જ તે વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બની ગયું છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનના કરાચી શહેરને 36 પોઇન્ટ મળતા જ તે 168મા રેન્ક પર આવી ગયું છે. આમ સૌથી સસ્તા શહેરમાં કરાચીએ અમદાવાદને પાછળ કરી નાખ્યું છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર 12 પોઇન્ટ પ્રાપ્ત થયા છે. ઇઝરાયેલનું તેલ અવીવ શહેર 106 પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે તેલ અવીવ તેના રાષ્ટ્રીય ચલણ તેમજ પરિવહન અને કરિયાણાના ભાવમાં વધારાને કારણે રેન્કિંગમાં આંશિક રીતે ઉપર આવેલ છે. આ યાદીમાં પેરિસ અને સિંગાપોર સંયુક્ત રીતે બીજા સ્થાન પર છે. ત્યાર બાદ ઝ્યુરિક અને હોંગકોંગ આવ્યું છે. ન્યુયોર્ક છઠ્ઠા સ્થાને રહેલ છે. સ્વિત્ઝરલેન્ડનું જીનીવા સાતમા સ્થાને પહોંચ્યું છે.
તેની સાથે ટોપ-10 માં આઠમા ક્રમે કોપનહેગન, નવમા સ્થાને લોસ એન્જલસ અને 10 માં સ્થાને જાપાનનું ઓસાકા શહેર રહેલું છે. ગયા વર્ષે સર્વેક્ષણમાં પેરિસ, ઝ્યુરિક અને હોંગકોંગને સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું.