કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે આવેલા છે. તેવામાં તેમને અમદાવાદ કલેકટર કચેરીએ ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિત અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. જેમાં અમદાવાદ પ્રશાસનને 100 ટકા રસીકરણ ઉપર ભાર મુકવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ટકોર કરવામાં આવી છે. તેમના દ્વારા રસીનો પ્રથમ ડોઝ તમામ નાગરિકોને સપ્ટેમ્બર મહિના પહેલા આપવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય કેન્દ્ર તેમજ રાજ્યની યોજનાના અમલીકરણ મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં ડિસ્ટ્રીક ડેવલોપમેન્ટ કો. ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જ્યારે આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, લોકસભા અને રાજ્યસભાના સાંસદ અને તેની સાથે અમદાવાદના મેયર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને DDO સહિતના અધિકારીઓ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્ર તેમજ રાજ્યની યોજનાના અમલીકરણ મુદ્દે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
ત્યાર બાદ બેઠકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં ઝડપથી 100 ટકા રસીકરણ કરવા અમિત શાહ દ્વારા સૂચના આપવામાં આવી છે. જ્યારે રસીનો પ્રથમ ડોઝ તમામ નાગરિકોને સપ્ટેમ્બર મહિના પહેલા આપવાનું કહેવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો અંગે અમિત શાહ દ્વારા મહત્વનું સૂચન આપવામાં આવ્યું છે.
ડાંગર પકવતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અધિકારીઓને મહેનત કરવાનું કહ્યું છે. અમદાવાદ જિલ્લામાં ડાંગરની ખેતી ઘટે અને બાગાયતી ખેતી વધે તેવા પ્રયત્ન કરવા સુચન આપવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ સાચા લાભાર્થીઓને જ મળે તેની કાળજી લેવા પર ભાર મુકવામાં આવ્યો હતો. તેની સાથે વધુમાં વધુ લોકો સુધી યોજનાની માહિતી અને લાભ પહોંચે તે રીતની કામગીરી કરવા અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે.