રાજ્યમાં હિટ એન્ટ રનની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે સવારે અમદાવાદમાં હિટ એન્ડ રનની દુર્ઘટના સામે આવી છે. અમદાવાદમાં આજે વહેલી સવારના ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટમાં આવતા એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે.
અજાણ્યા વાહનચાલક દ્વારા મહિલાને અડફેટમાં લેવામાં આવતા મહિલા 20 ફૂટ દૂર ઉછળીને પડી હતી. આ ઘટનાને કારણે અનેક લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ રાહદારીઓ દ્વારા પોલીસને ફોન કરીને હિટ એન્ડ રનની ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ દ્વારા ઘટનાસ્થળે આવી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસ્કોન બ્રિજ પર આજે વહેલી સવારના એક અજાણ્યા વાહન દ્વારા હિટ એન્ડ રનની ઘટના સર્જવામાં આવી હતી.
ઈસ્કોન બ્રિજ પર ચાલીને પસાર થઈ રહેલી મહિલાને અજાણ્યા વ્યક્તિ દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી. કારની ટક્કરના કારણે મહિલા 20 ફૂટ સુધી ઉંચી ઉછળી હતી. તેના કારણે ગંભીર ઈજા પહોંચતા મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
તેની સાથે પોલીસને ઘટનાસ્થળથી એક મિરર, મહિલા ચંપલ સહિતની વસ્તુઓ એકઠી કરવામાં આવી હતી. જેના પરથી અકસ્માત સર્જનાર કાર ચાલક હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા હિટ એન્ડ રનની ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઈસ્કોન આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. અકસ્માત સર્જનાર કોણ છે અને મૃતક મહિલા કોણ છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.