અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના કાર્યકારી ગૃહ મંત્રી શનિવારે પ્રથમ વખત જાહેરમાં દેખાયા હતા અને કહ્યું હતું કે દેશમાં પોલીસ સુરક્ષામાં ચૂક કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાલિબાન દ્વારા દેશ પર કબજો જમાવ્યા બાદ સુરક્ષા દળો દ્વારા સત્તાના દુરુપયોગના સતત અહેવાલો આવી રહ્યા છે.
ટીવી મીડિયાને આપ્યું નિવેદન
યુએસ દ્વારા જાહેર આતંકવાદી સિરાજુદ્દીન હક્કાનીનો ચહેરો પહેલીવાર તાલિબાન સરકારની સત્તાવાર ચેનલો પર દેખાયો. આ વખતે પ્રકાશિત થયેલી તસવીરો અને ગયા વર્ષે ઓક્ટોબરમાં બતાવવામાં આવેલી તસવીરોમાં મોટો તફાવત છે કારણ કે તે સમયે પ્રભાવશાળી નેતાનો ચહેરો બ્લર કરીને દેખાડવામાં આવ્યો હતો.
પહેલી તસવીર સામે આવી
હક્કાનીનો આ ફોટો શનિવારે લેવામાં આવ્યો હતો જ્યારે તે દેશમાં તાલિબાન શાસન બાદ તાલીમ પૂર્ણ કરવા માટે પોલીસની પ્રથમ બેચના કોન્વોકેશનમાં ગયો હતો. દીક્ષાંત સમારોહમાં પુરૂષો અને મહિલાઓ સહિત લગભગ 377 પોલીસકર્મીઓએ તેમની તાલીમ પૂર્ણ કરી હતી.
નેતા બન્યા બાદ પ્રથમવાર આપ્યું નિવેદન
આ સમારોહ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે દેશના ગૃહમંત્રી બન્યા બાદ હક્કાનીએ પહેલીવાર મીડિયાને નિવેદન આપ્યું છે. દીક્ષાંત સમારોહમાં તેમના સંબોધનમાં, હક્કાનીએ જણાવ્યું હતું કે અફઘાન નાગરિકો સામે ગુના કરનારા તાલિબાન સુરક્ષા કર્મચારીઓ સામે ફોજદારી ટ્રાયલ ચાલી રહી છે.