અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાયેલા કાર્યક્રમોમાં કાર્યકરો અને પ્રજાની પાંખી હાજરીથી નારાજ ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા અને ગઈકાલે રાત્રે તેમને અમિત શાહે સખત શબ્દોમાં ખખડાવ્યા હતા. તેમાં પણ લોકસભાની આગામી ચૂંટણીની તૈયારી દેશભરમાં ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ અને સંગઠનની કામગીરીની નારાજ વડાપ્રધાન મોદીએ આ મામલે અમિત શાહનું ધ્યાન દોરતા શાહે ભાજપના આગેવાનોને બોલાવીને ઉઘડો લીધો હતો.
ગુજરાત ભાજપ સંગઠન અને સરકારની કામગીરી સામે હાઈકમાન્ડની નારાજગી જોતા આગામી દિવસોમાં સગંઠન અને સરકારમાં મોટા પાયે ફેરફારો થવાની શક્યતાઓ છે. નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલી નિષ્ફળતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ચાર દિવસ માટે ગુજરાત મોકલ્યા છે. યાદવ ચાર દિવસમાં મોદીના મુલાકાતના સ્થળો અને તે જિલ્લામાં ભાજપની સ્થિતિ અને ભાજપ અંગે પ્રજાનો વિશ્વાસ અને રોષ કેવો છે તે અંગેનો તાગ મેળવીને રિપોર્ટ કરશે.
જેના આધારે આગામી દિવસોમાં જે તે જિલ્લાના પ્રભારી મંત્રીઓથી માંડીને સંગઠનના પ્રભારીઓની ફેરબદલ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સરકારમાં મંત્રીઓની કામગીરીનો રિપોર્ટ ભૂપેન્દ્ર યાદવ દ્વારા તૈયાર કરીને હાઈ કમાન્ડને મોકલવામાં આવશે. જેના આધારે ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં ધરખમ ફેરકાર કરીને લોકસભાની આગામી ચૂંટણીમાં ફરી એકવાર ભાજપને તમામ છવ્વીસ બેઠકો મળે તે મુજબની વ્યૂહ રચના ગોઠવવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળના સાથીઓની કામગીરી સામે ખુદ ભાજપના કેટલાક ધારાસભ્યો અને આગેવાનો નારાજ છે. ઉપરાંત મંત્રીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી કામગીરીમાં વારંવાર વિક્ષેપ પડે છે. ભાજપ સંગઠનમાં પણ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા અને શહેર પ્રમુખ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાથી સરકારની કામગીરી પ્રજા સુધી યોગ્ય રીતે પહોંચી શકતી નથી. આમ ભાજપ સંગઠન અને સરકારમાં સંકલનના અભાવ અને પ્રજા સાથે સંપર્ક કરવામાં ભાજપ ઉણો ઉતરતાં હાઈકમાન્ડે પણ તેની ગંભીર નોંધ લીધી છે.