જીગ્નેશ મેવાણી માટે ગુજરાતભરમાં દેખાવો, આ એક ફોટોએ કહ્યું- તમે મારા હક માટે લડો છો

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની 19 એપ્રિલે ગુજરાતના પાલનપુર શહેરમાંથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં તેમના એક ટ્વિટ અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી “ગોડસેને ભગવાન માને છે”. જોકે જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડ થયા બાદ તેમને તેમને જામીન મળ્યા ન હતા. જેને લઇ આખા ગુજરાતમાં જીગ્નેશ મેવાણીના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શનો કરાયા હતા. ત્યાં જ આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં એક જ દિવસે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનના કરવામાં આવ્યા હતા.

આ વિરોધ પ્રદર્શનોમાં સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરેલા જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં અનેક સંગઠનો અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થકો દ્વારા સ્થાનિક સરકારી તંત્રના વડાના માધ્યમથી રાજ્યપાલને આવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે આજે અમદાવાદમાં સુભાષબ્રિજ પાસે આવેલ કલેક્ટર કચેરી ખાતે એક વૃદ્ધ પોતાના હાથમાં જીગ્નેશ મેવાણીનું પોસ્ટર લઇને ઉભા હતા. આ વૃદ્ધની ઉંમર આશરે 70 વર્ષની આસપાસ હશે અને તેઓ જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં વાડજ વિસ્તારથી સુભાષબ્રિજ પહોંચ્યા હતા. પરંતુ આ વૃદ્ધની સ્થિતિ જોઇ લોકો પણ અચંભામાં મૂકાયા હતા. કારણ કે, આ વૃદ્ધના પગમાં ફ્રેક્ચર હતું સાથે જ તેઓ ઘોડી (વૉકર)ની મદદથી લગભગ 2 કિલોમીટર જેટલું અંતર કાપીને કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા હતા. આ દ્રશ્ય ખુબ જ ભાવુક હતું કારણ કે જે વૃદ્ધ ઘોડીનો ટેકો લઇને ઉભા હતા, તે ઘોડી પણ તૂટેલી હતી સાથે જ લોખંડની તે ઘોડીને દોરીથી સાંધીને ઠીક કરવામાં આવી હતી પરંતુ તેના ત્રણ પાયા જ સહી સલામત હતા અને એક પાયો તો જાણે વૃદ્ધના પગની જેમ તૂટેલો હતો.

આ દ્રશ્ય જોઇ સ્થળ પર રહેલા ઘણા લોકો આ 70 વર્ષીય વૃદ્ધને જોઇ વિચારવા મજબૂર બની ગયા હતા કે, એ સમુદાય જે રોજ જીવન જીવવા માટે લડે છે. તે એક દિવસની મજૂરી છોડી કોઈ તમારા પડખે ઉભું રહે તો તેનાથી મોટું કોઈ ઇનામ નથી. આટલી તકલીફો સહન કરીને આવાનાર આ વૃદ્ધ કેમ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હશે પરંતુ તેમના હાવભાવ અને તેમનો જુસ્સો જોઇ લોકો પણ તેમની હિમ્મતને દાદ આપી રહ્યા હતા.

કલેક્ટર કચેરી બહાર જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા એક વ્યક્તિના જણાવ્યું અનુસાર, આ વૃદ્ધ જૂનાવાડજ વિસ્તારમાં રહે છે અને ખાડા ખોદવાનું કામ કરે છે. સાથે જ તેમની પરિસ્થિતિ સારી નથી છતા તેઓ પોતાનો કામધંધો છોડીને દલિત નેતા જિગ્નેશ મેવાણીને સપોર્ટ કરવા માટે આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણીને પ્રધાનમંત્રીને શાંતિની અપીલ માટે ટ્વીટ કરવા અંગેની ફરીયાદમાં કોન્કરાઝાર પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી ગયા છે પરંતુ આસામમાં બારપેટા પોલીસ મથકે નોંધાયેક ફરિયાદ નં. 81/2022 ના કામે એમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જગ્યાએ પણ ફરિયાદ નોંધાઇ હોવાની શક્યતાઓ રહેલી છે. આ સમગ્ર મામલામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને રાજકીય કિન્નાખોરી રાખીને પરેશાન કરવામાં આવી રહયા હોવાનો તમામ લોકોમાં સંદેશ જઇ રહ્યો છે જેનાથી આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ફરીથી દલિતો રસ્તા ઉપર જોવા મળે તો નવાઈ નહીં.

Scroll to Top