આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યું: ટેસ્લાને ખાઈ જશે ભારતની ઇલેક્ટ્રિક કાર, જાણો પૂરી વાત.

ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાએ ભારત આવવાની યોજના હાલ પુરતી મુલતવી રાખી છે. ટેસ્લા વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની છે અને તેના CEO એલોન મસ્ક વિશ્વના સૌથી મોટા અમીર છે. મસ્ક ઇચ્છતા હતા કે ટેસ્લાને ભારતમાં કાર વેચવાની મંજૂરી આપવામાં આવે અને વિદેશથી આયાત કરવામાં આવતી કાર પર કોઈ ટેક્સ લાદવામાં ન આવે. પરંતુ ભારત સરકારે તેમની માંગને ફગાવી દીધી હતી. ફોર્ચ્યુનના રિપોર્ટ અનુસાર, ભારતમાં પણ મોટા પાયે ઇલેક્ટ્રિક કાર બનાવવામાં આવી રહી છે, જે ટેસ્લાને ધૂળ ચટાડી શકે છે. સોડિયમ આયન બેટરી બનાવતી બ્રિટિશ કંપની ફેરાડિયન દ્વારા આ ટ્વિટ કરવામાં આવ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેને રીટ્વીટ કરીને લખ્યું, ‘તમારા મોંમાં ઘી ખાંડ.’

ટાટા મોટર્સ અને મહિન્દ્રા સહિત ઘણી કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઈલેક્ટ્રિક કાર માટે મોટી યોજના ધરાવે છે. કંપનીને નાણાકીય વર્ષ 2027 સુધીમાં બે લાખ ઈલેક્ટ્રિક કાર વેચવાનો વિશ્વાસ છે. કંપની EV બિઝનેસમાં એક અબજ ડોલરથી વધુનું રોકાણ કરી રહી છે. તે આગામી પાંચ વર્ષમાં પાંચ ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપનીનું કહેવું છે કે FY2027થી તેના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો 20 થી 30 ટકા હશે.

મસ્કે શું કહ્યું

મસ્કે તાજેતરમાં ટ્વીટ કહ્યું હતું કે ટેસ્લા ક્યાંય પણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં. જ્યાં તેને તેની કાર વેચવાની મંજૂરી આપવામાં આવી ન હોય. મસ્ક ઈચ્છતા હતા કે ભારત સરકાર ટેસ્લાને ચીનમાંથી કાર આયાત કરવા માટેનું લાઇસન્સ આપે અને આ કાર પર કોઈ ઈમ્પોર્ટ ડ્યુટી ન લગાવવી જોઈએ. પરંતુ ભારત સરકારે તેમની માંગને ફગાવી દીધી હતી. ભારતમાં ઈલેક્ટ્રિક કારની નવી પેઢી પણ વિકસિત થઈ રહી છે. આ વાહનો ટેસ્લાને આંતરરાષ્ટ્રીય બજારમાં છોડી શકે છે. તેનું કારણ એ છે કે ભારતમાં આધુનિક ટેક્નોલોજીના આધારે ઇલેક્ટ્રિક કાર બનાવવામાં આવી રહી છે, જ્યારે ટેસ્લાની ટેક્નોલોજી એક દાયકા જૂની છે.

ટાટા મોટર્સની કોન્સેપ્ટ કાર અવિન્યાની ટેક્નોલોજી ટેસ્લા કરતા વધુ એડવાન્સ છે. એ જ રીતે, મહિન્દ્રાની બોર્ન અગેઇન ઇલેક્ટ્રિક કાર ટેસ્લા સાથે સ્પર્ધા કરે છે અને તેની કિંમત ટેસ્લાની કારની કિંમત કરતાં અડધી છે. બેટરી ઉત્પાદનની બાબતમાં પણ ભારતમાં પ્રગતિ થઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 100 મિલિયન પાઉન્ડમાં યુકેની કંપની ફેરાડિયનને ખરીદી લીધી છે. તે સોડિયમ આયન બેટરીના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે.

Scroll to Top