ડિસેમ્બર 2014 માં પોતાના મિત્ર સાથે સ્ટાર્ટ અપ શરૂ કરનારી અંકિતી બોઝને સપનેય ખ્યાલ નહતો કે પાંચ વર્ષમાં તેના સ્ટાર્ટ અપની વેલ્યુ વધીને 70 અબજ રૂપિયા થઈ જશે. બેંગલુરુમાં આવેલી આ કંપની યુનિકોર્ન સ્ટેટસ મેળવવાની તૈયારીમાં છે અને તેનું વેલ્યુએશન લગભગ 1 બિલિયન ડોલર એટલે કે 70 અબજ રૂપિયા જેટલું છે.
23 વર્ષની અંકિતીએ 24 વર્ષના ધ્રુવ કપૂર સાથે મળીને સ્ટાર્ટ અપ શરૂ કર્યું હતુ. એ સમયે ધ્રુવ ગેમિંગ સ્ટુડિયો કિવિ ઈન્કમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. ચાર મહિનામાં તેમણે પોતાની જોબ છોડીને 2.10 લાખ રૂપિયાની બચત ઝિલિંગો નામની કંપની શરૂ કરવામાં ખર્ચી નાંખી. આ ઓનલાઈન પ્લેટફોર્મ સાઉથ-ઈસ્ટ એશિયાના નાના વેપારીઓને મોટા સ્કેલ પર કામ કરવામાં મદદ કરે છે.
અંકિતી બોઝ સ્ટાર્ટઅપની કો ફાઉન્ડર હોવા સાથે સાથે સીઈઓ પણ છે. તે એવી પહેલી ભારતીય મહિલા સીઈઓ છે જેની કંપનીને યુનિકોર્ન સ્ટેટસ મળ્યું છે. જે સ્ટાર્ટઅપની વેલ્યુ 1 અબજ ડોલર પર પહોંચે તેમને આ સ્ટેટસ આપવામાં આવે છે. અંકિતીના સ્ટાર્ટઅપની હાલમાં વેલ્યુ 970 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. યુનિકોર્ન સ્ટેટસને સ્ટાર્ટઅપની દુનિયામાં સફળતાનો સર્વોચ્ચ મુકામ માનવામાં આવે છે.
ઝિલિંગોનું હેડક્વાર્ટર અત્યારે સિંગાપોરમાં છે. તેની ટેક ટીમ બેંગલુરુમાંથી કામ કરે છે. તેમની ટીમમાં 100 લોકો છે. આ કંપની હવે ભારતના સફળ સ્ટાર્ટઅપ્સમાંની એક બની ગઈ છે. આ કંપનીએ 306 મિલિયન ડોલર તો માત્ર ફંડિંગના માધ્યમથી જોડ્યા હતા.
અંકિતિએ 2012 માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ઈકોનોમિક્સ અને ગણિત તેના ફેવરિટ સબ્જેક્ટ હતા. અંકિતિએ જણાવ્યું કે તે એકવાર બેંગકોક ફરવા ગઈ ત્યારે ફેશન પ્રત્યે તેણે લોકોનો લગાવ જોયો હતો. ત્યાર પછી તેણે વિચાર્યું કે આ માટે ઓનલાઈન પ્લેટફોર્મ ખોલવું જોઈએ. તેનું પ્લેટફોર્મ થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને ફિલિપીન્સમાં પણ ફેમસ થઈ ગયુ.
2014 માં કપૂરને મળ્યા બાદ અંકિતિએ આ બિઝનેસ વિષે વિચાર્યું. તેણે શરૂઆત માટે ઈન્ડિયન માર્કેટને પસંદ ન કર્યું કારણ કે અહીં પહેલેથી ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા ઓનલાઈન માર્કેટના મોટા પ્લેયર્સ હાજર છે. બંનેએ રિસર્ચમાં જાણ્યું કે સાઉથ ઈસ્ટ એશિયા માર્કેટમાં આવો કોઈ પ્લેયર નથી. ત્યાર બાદ 2015 માં ઝિલિંગો અસ્તિત્વમાં આવી. પોતાની સફળતા અંગે વાત કરતા અંકિતિએ ચિંતા જતાવી કે આ ક્ષેત્રે મહિલાઓની કમી છે. તેણે કહ્યું, “મારી સફરમાં ઘણા પુરુષોએ મારો સાથ આપ્યો છે પણ બિઝનેસવુમન વધારે હોત તો વધારે સારુ પડત.”