AhmedabadNews

‘બજાર બંધ હોવા છતાં PSI અને કોન્સ્ટેબલ હપ્તા માંગે છે’, નનામો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

પોલીસ હંમેશા હપ્તાખોરી માટે બદનામ થતી હોય છે. જેના છાંટા ઉચ્ચ અધિકારીઓને ઊડતા હોય છે. આવો જ એક આક્ષેપભર્યો નનામો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કારંજના ડિસ્ટાફ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પીએસઆઇ અને કોન્સ્ટેબલ બજાર બંધ હોવા છતાં પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

પીએસઆઇની તાજેતરમાં જ ટ્રાફિક વિભાગમાં બદલી આવી છતાંય તે રોકાવી દેશે તેવું લોકોને કહી રહ્યા હોવાનો આક્ષેપ આ પત્રમાં કરવામાં આવ્યો છે. હાલ કોરોનાની લહેરમાં સરકાર તરફથી મીની લૉકડાઉન જાહેર કરાયું છે. ત્યારે રોજનું કમાઈને ખાનારા વેપારીઓને મુશ્કેલી ઊભી થઈ રહી છે. તેવામાં પોલીસ દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

એક નનામો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કારંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડ દ્વારા વેપારી વર્ગ પાસેથી રોકડી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. પોલીસ આ સમયમાં વેપારીઓને સહકાર આપવાને બદલે કારંજ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ક્વૉડ અને તેમના સ્ટાફ દ્વારા વેપારી વર્ગને હેરાન કરવાની વૃત્તિ કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.

સર્વેલન્સ સ્ક્વૉડના પીએસઆઈ ઠાકોર અને કોન્સ્ટેબલ કલ્પેશ સામે લોકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. રાત્રે વેપારીઓને ઊંઘવા દેતા નથી અને કારંજ વિસ્તારમાં ફરતા રહી ઉઘરાણી કરી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું હોવાનો આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં રોજગાર નથી, લોકો બેકાર છે છતાં પણ માત્ર ઉઘરાણી લાવો તેવું કહી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં પીએસઆઇ ઠાકોર પોતાનું કહી બગડવાનું નથી કે કોઈ બગાડી શકવાના નથી, અહીંથી બદલી પણ નહીં થાય તેવું લોકોને કહી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ઉઘરાણી બાબતે ડીસીપી, એસીપી, પીઆઇને અંધારામાં રાખ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સર્વેલન્સ સ્ક્વૉડના પીએસઆઈ ઠાકોરની બદલી ટ્રાફિક વિભાગમાં થઇ હોવા છતાં તેઓએ હજી ચાર્જ સંભાળ્યો નથી અને તેમના માણસોને ઉઘરાણીના કામે લગાડી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કોઈ વેપારી ઉઘરાણી બાબતે મનાઈ કરે તો ખોટા કેસો વેપારીઓ સામે કરવાની ધમકીઓથી ફફડાટ જોવા મળી રહ્યો છે.

આટલું જ નહીં લોકમુખે ચર્ચા ચાલી છે કે સર્વેલન્સ સ્ક્વૉડના પીએસઆઈ ઠાકોર એવો રોફ જમાવી રહ્યા છે કે અહીંયા મારું જ ચાલે છે. હું અહીંયા જ રહેવાનો છું, ટ્રાફિકની બદલી રદ કરાવી ક્રાઇમ કે એસ.ઓ.જીમાં કરાવી લઈશ. હપ્તારૂપી ઉઘરાણીથી ત્રસ્ત વેપારીઓ આ કાળમાં પરેશાન થતા આખરે આ નનામો પત્ર વાયરલ કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

આટલું જ નહીં પીએસઆઇ ઠાકોરના બાતમીદારો અને મળતીયાઓ પણ રાતભર ઉજાગરા કરી કાલે કયા વેપારીઓનો વારો પાડવો તેવી ગોઠવણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. હવે આ નનામો પત્ર ઊચ્ચ અધિકારીઓને ધ્યાને ક્યારે આવે છે અને પીએસઆઇ ઠાકોર ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહેશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker