છેલ્લા ઘણા સમયથી કોરોના દેશ અને દુનિયામાં પોતાનો કહેર મચાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ ગંભીર સ્થિતિ ઊભી કરી દીધી છે. તેથી મહારાષ્ટ્ર સરકારે ૧૫ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ કારણે હવે બધા ટીવી શોઝ અને ફિલ્મોનું શૂટિંગ પણ મુંબઇમાં રોકી દેવામાં આવ્યું છે.
ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કોરોનાની ગંભીર અસર જોવા મળી છે. કોરોનાએ આ વર્ષે પણ ટીવી શો મેકર્સની મુશ્કેલી વધારી દીધી છે. જો કે, આ વખતે નિર્માતા-નિર્દેશક શૂટિંગ બંધ કરવાના બદલે કોઈ સુરક્ષિત જગ્યા પર જઈને શૂટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સિરીયલ અનુપમાના લોકેશનમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કોઈપણ કારણે દર્શકોનું મનોરંજન અટકે નહિ.
ઉલ્લેખનીય છે કે, અનુપમા સિવાય સિરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ના લોકેશન્સમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ટીવી શોઝનું શૂટિંગ ગોવા અથવા રાજકોટમાં થઈ શકે છે. જો કે, અત્યારે કોઈ લોકેશન ફાઇનલ કરવામાં આવ્યું નથી. જેવુ આ બંને લોકેશન્સમાંથી કોઈ એક જગ્યા ફિક્સ થશે ત્યારબાદ આ ટીવી શોઝનું શૂટિંગ શરુ કરી દેવામાં આવશે. જો કે, લોકેશન બદલાયા પછી પણ પૂરતી સાવધાની રાખવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, રંજન શાહીનો શો ‘અનુપમા’ આજકાલ ટીઆરપી રેટિંગમાં સૌથી ઉપર છે. તેની પાછળ આ સિરીયલની કાસ્ટ ખૂબ મહેનત કરી રહી છે. દરેક કલાકાર પોતાનું ધમાકેદાર પરફોર્મન્સ આપી રહ્યા છે. સિરીયલના લીડ કેરેક્ટર રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે ઘરદીઠ લોકપ્રિય થઈ ગયા છે. રુપાલી ગાંગુલી ટીવી એક્ટ્રેસ છે અને તેણે ઘણા શોમાં દમદાર રોલ પ્લે કર્યો છે.