ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે થોડા મહિના બાકી છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં એમએલએ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ (MLALAD)ની રૂ. 332 કરોડ (32 ટકા) રકમ રાજ્યમાં ખર્ચવામાં આવી નથી. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને મહિતી અધિકાર ગુજરાત પહેલ (એમએજીપી) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
શુક્રવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2017-18 અને વર્ષ 2021-22ના ચાર વર્ષ દરમિયાન 1004 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તેમાંથી 850 કરોડ રૂપિયા રિલીઝ થયા અને 677 કરોડ રૂપિયા ખર્ચાયા. કુલ ફાળવેલ રકમમાંથી 67 ટકા ફંડ માર્ચ 2022 સુધી ખર્ચવામાં આવ્યું છે. કોવિડને કારણે નાણાકીય વર્ષ 2020-21ના આંકડા સામેલ કરવામાં આવ્યા ન હતા. કારણ કે આ દરમિયાન ધારાસભ્યોને કોવિડ સામે લડવા માટે ભંડોળનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
એમએલએ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ સ્કીમ હેઠળ દરેક ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં 1.5 કરોડના વિકાસ કામોની ભલામણ કરી શકે છે. જીલ્લા આયોજન મંડળ ફંડના હિસાબની જાળવણી કરે છે. 5 વર્ષ માટે 1350 કરોડનું બજેટ છે.
ADRના રાજ્ય કન્વીનર રૌતિ જોગે જણાવ્યું કે સરકારે ધારાસભ્યોને નાણાકીય વર્ષ 2020-21 માટે ફંડનો ઉપયોગ કરવાની ભલામણ કરી નથી કારણ કે સરકારે આ ફંડનો ઉપયોગ કોવિડ સામેની લડાઈમાં કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂરો થતાંની સાથે જ વણવપરાયેલી રકમનો અંત આવશે.
આદિવાસી વિસ્તારોમાં 77 ટકા ભંડોળનો ઉપયોગ
આ યોજના હેઠળ પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, પાણી અને લોકો માટે કામો કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં 230.37 કરોડમાંથી 177.39 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ વિસ્તારોમાં 77 ટકા ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડાંગ, નર્મદા, વલસાડ, તાપી, પંચમહાલ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. 140 કરોડ રૂપિયામાંથી 123 કરોડ રૂપિયા દરિયાકાંઠાના વિસ્તારોમાં ખર્ચવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ, સુરત, નવસારી, દ્વારકા, સોમનાથ, પોરબંદર, ભાવનગર અને કચ્છનો સમાવેશ થાય છે.