ભારતના પ્રીમિયર ડિફેન્સ એક્ઝિબિશન-ડિફેન્સ એક્સ્પો-2022 ની 12મી આવૃત્તિ ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરે સત્તાવાર રીતે તેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. લેન્ડ, નેવલ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સ પર આ એશિયાનું સૌથી મોટું પ્રદર્શન છે. કેન્દ્રીય સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર, અધિક સચિવ સંજય જાજુ અને સંરક્ષણ નિર્દેશક અચલ મલ્હોત્રાએ શુક્રવારે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. આ ઈવેન્ટ અત્યાર સુધીના સૌથી મોટા સ્થળ પર એક લાખ ચો.મી.થી વધુ વિસ્તારમાં આયોજિત થઈ રહી છે. અત્યાર સુધીમાં 1328 કંપનીઓએ નોંધણી કરાવી છે જે છેલ્લી આવૃત્તિ 1028 કરતાં વધુ છે
5 દિવસની ઇવેન્ટ દરમિયાન પ્રથમ 3 દિવસ ખાસ વ્યવસાયિક દિવસો હશે અને છેલ્લા 2 દિવસ એટલે કે 21મી અને 22મી ઓક્ટોબર 2022 ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત સામાન્ય લોકો માટે ખુલ્લા રહેશે. ડિફેન્સ એક્સ્પોની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર તેમજ અમદાવાદ અને પોરબંદરમાં ડિફેન્સ એક્સ્પો (ડિફેન્સ એક્ઝિબિશન)ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
70 થી વધુ દેશો ભાગ લેશે, 25 થી વધુ દેશોના સંરક્ષણ પ્રધાનો આવશે
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ડ્રોન શો યોજાશે. આ સાથે જ પોરબંદરમાં એક પ્રદર્શન પણ યોજાશે, જેમાં સામાન્ય લોકોને પણ નૌકાદળના જહાજને જોવાનો મોકો મળશે. 22 ઓક્ટોબર સુધી ચાલનારા આ એક્સપોમાં 70થી વધુ દેશો ભાગ લેશે. આ ડિફેન્સ એક્સપોમાં આવવા માટે 25 થી વધુ દેશોના સંરક્ષણ પ્રધાનોની સંમતિ મળી ગઈ છે.
અનેક રાજ્યો પણ ભાગ લેશે
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના વિવિધ રાજ્યો પણ ડિફેન્સ એક્સપોમાં ભાગ લઈ રહ્યા છે. આ ડિફેન્સ એક્સ્પો અત્યાર સુધીનો સૌથી મોટો હશે.