દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ જિલ્લામાં ગઈકાલે રાત્રે પોલીસ અને બદમાશો વચ્ચેની બે અલગ-અલગ અથડામણમાં બે બદમાશો માર્યા ગયા હતા. ગાઝિયાબાદ શહેરના મધુબન બાપુધામ અને ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા બે એન્કાઉન્ટરમાં દુજાના ગેંગના ગુનેગારો માર્યા ગયા હતા.
ગાઝિયાબાદ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા બદમાશોમાંથી એકનું નામ રાકેશ છે. રાકેશ નોઈડાના બાદલપુરમાં રહેતો હતો. યુપી પોલીસે તેના પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ત્યા જ બીજા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બદમાશની ઓળખ બિલ્લુ ઉર્ફે અવનીશ તરીકે થઈ છે, એ પણ નોઈડામાં જ રહેતો હતો. બિલ્લુ એક લાખ રૂપિયાનો ઘોષિત ગુનેગાર હતો.
રાકેશનું એન્કાઉન્ટર મધુબનના બાપુધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. જ્યાં રાકેશ મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો. જ્યારે પોલીસે તેને રોકવાનું કહ્યું તો તેણે ગોળીબાર કર્યો હતો જે શહેરના એસપીના બુલેટપ્રૂફ જેકેટમાં વાગી હતી. આ પછી જવાબી ગોળીબારમાં તે ઘાયલ થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યાં જ બિલ્લુ દુજાનાનું એન્કાઉન્ટર ઇન્દિરાપુરમમાં થયું હતું.
યુપીમાં ગુનેગારોનો ખાત્મો ચાલુ છે
યોગી સરકાર 2.0માં ગુનેગારો વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન અંતર્ગત આ મોટો મામલો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બદમાશો અને હિસ્ટ્રીશીટર્સને પકડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસને મોટી સફળતા મળી છે. બિલ્લુ દુજાના અને રાકેશ દુજાના વિશે માહિતી મળી રહી છે કે બંને વેવ સિટીમાં ડબલ મર્ડરના આરોપી હતા. આ એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ થયાની પણ માહિતી છે.