રાજકોટ: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રાજકોટ સાથે પણ અતૂટ નાતો રહ્યો છે. રાજકોટમાં સભા કરતા ત્યારે સૌરાષ્ટ્રભરમાંથીલોકો તેને સાંભળવા આવતા હતા. રાજકોટમા જનસંઘના પાયાના પથ્થર ચિમનભાઇ શુક્લ સાથે પરિવારની જેમ રહેતા હતા. ચિમનભાઇના પુત્રી કાશ્મિરાબેને જણાવ્યું હતું કે, રાજકોટ આવે એટલે અમારા ઘરે જ રોકાતા, મારા મમ્મી પાસે ખીચડી, મેથી-પાલકની ભાજી અને રોટલી-શાક બનાવડાવતા. તેમના જેવું વ્યક્તિત્વ જ થાય. અમારા આખા પરિવારને નામથી ઓળખતા.
ચીમનભાઇ 19 દિવસ ઉપવાસ કર્યા ત્યારે ખૂબ જ ચિંતિત હતા અટલજી
ચિમનભાઇ શુક્લના પુત્ર કશ્યલ શુક્લએ સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કે રાજકોટની મુલાકાતે આવે ત્યારે મારી ઘરે અચુક આવતા, અમારા પરિવારમાં પણ એક મોભી આવ્યા હોય તે રીતે તેની આગતા સ્વાગતા કરવામાં આવતી હતી. 1952ની સાલમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારબાદ રાજકોટ કોર્પોરેશનમાં સૌ પ્રથમ વખત ભાજપ આવ્યું અને એક સીટ માટે પક્ષપલ્ટાની વાતને લઇને ચીમન શુક્લએ 19 દિવસના ઉપવાસ કર્યા હતા.
તે સમયે અટલજી દિલ્હી બેઠા બેઠા ચિંતા વ્યક્ત કરી હતી અને રાજમાતા અને અડવાણીજીને રાજકોટ મોકલ્યા હતા કે આ બધું રેવા દો તબિયત સંભાળો. આ સિવાય કશ્યપ શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, 1948 -50માં નાગપુર ખાતે સંઘની તાલીમ હતી તે સમયે એક રૂમમા અટલજી, મારા પિતા એટલે ચિમન શુક્લ અને અડવાણીજી રોકાયા હતા. મને યાદ છે સૌ પ્રથમ વખત રાજકોટમાં મહિલા મેયર તરીકે ભાવનાબેન જોષીપુરાની વરણી થઇ ત્યારે તેના શપથ વખતે અટલજીએ સૌ કોઇને હાથમાં કમળ પકડાવાનું કહ્યું હતું અને શપથ લેવડાવ્યા હતા.
શું કહે છે રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભભાઇ કથીરીયા
રાજકોટના પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે, 1996માં સાંસદ બન્યા પછી 1998-99માં પણ સાંસદ રહ્યો. 1999માં મંત્રીમંડળમાં પણ સ્થાન મળ્યું. 1995-96માં અટલજી રાજકોટ આવ્યા હતા અને શહેરના શાસ્ત્રીમેદાન અને ચૌધરી મેદાનમાં સભાઓ ગજવી હતી. શાસ્ત્રી મેદાનની સભામાં લોકો ત્રિકોણબાગ પાસે રસ્તા પર ઉમટી પડ્યા હતા. અટલજીને સાંભળવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવ્યા હતા.
મને યાદ છે પ્રથમવખત સાંસદ બન્યો ત્યારે દિલ્હી અટલજીને મે મારી ઓળખાણ આપી, બીજીવાર દિલ્હી ગયો ત્યારે પણ ઓળખાણ આપી. ત્રીજીવીર જ્યારે ઓળખાણ આપી ત્યારે અટલજી બોલ્યા ડોક્ટર તમને ઓળખું જ છું શું છે રાજકોટના હાલચાલ. તમારે વારંવાર ઓળખાણ થોડી આપવાની હોય. ડો.કથીરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છના ભૂકંપ સમયે અટલજી આવ્યા હતા. છેલ્લા એક દસકામાં તે રાજકોટ આવ્યા નથી. પરંતુ વર્ષમાં એકાદ વખત હું જરૂર અટલજીને મળવા પહોંચી જાવ છું.
શું કહે છે રાજકોટના પ્રથમ મહિલા મેયરના પતિ ડો.કમલેશ જોશીપુરા
રાજકોટના પ્રથમ મહિલા મેયરના પતિ ડો.કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે, અટલજીનો રાજકોટ સાથેનો અનેરો નાતો હતો. જેમાં અરવિંદભાઇ મણિયાર અને ચીમનભાઇ શુક્લ સાથે પારિવારીક સંબંધો હતો. લગ્નપ્રસંગે પણ હાજરી આપતા હતા.
મને યાદ છે રાજકોટ મનપામાં એક સીટનો ફેર રહ્યો ત્યારે અમે મળવા ગયા અને કહ્યું હતું કે, એક સીટ આવી ગઇ હોત તો સારૂ હતું. પરંતુ અટલજીએ ખેલદીલીપૂર્વક કહ્યું કે, આ વસ્તુ થાવી જ જોઇએ, લોકતંત્રમાં વિપક્ષ મજબૂત હોવું જોઇએ તે ખૂબ જરૂરી છે. વિજય રૂપાણી જ્યારે જીએસ હતા ત્યારે તેને અટલજીને ડી.એચ. કોલેજમાં બોલાવ્યા હતા. અટલજી એક નાના કાર્યકરને પણ સન્માન આપતા અને અટલજી વિના સંકોચે જીએસના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા.
તાજેતરમાં રૂપાણીએ સરોવરને નામ આપ્યું અટલ સરોવર
થોડા સમય પહેલા જ રેસકોર્સ રિંગ રોડ-2માં રૂપાણીએ શ્રમદાન કરી મોટુ સરોવર બનાવ્યું હતું. જે રમણીય સરોવરને અટલ સરોવર નામની જાહેરાત પણ કરવામા આવી હતી. આ સરોવર 40 કરોડના ખર્ચે બનશે. જેમાં વિશાળ કિડ્સ ઝોન, બાઇકોથી લઇ મોટેરા માટે રાઇડસ જોકિંગ ટ્રેક, સાઇકલ ટ્રેક, મિની થિયેટર, કલાત્મક એન્ટ્રી ગેઇટ, ફુવારા સહિતના પ્રોજેક્ટ આકાર લેવાના છે. 1.61 હજાર ચો.મી. જમીનમાંથી 90 હજાર ચો.મી જમીન તળાવની છે.