નવી દિલ્હી- પાછલા 2 મહિનાથી AIIMSમાં સારવાર લઈ રહેલા અટલ બિહારી વાજપેયીની સ્થિતિ ગંભીર છે અને તેમને ફુલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. AIIMS તરફથી બુધવારે મોડી રાતે જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, તેમની તબિયત પાછલા 24 કલાકમાં વધારે લથડી છે.
ગુરુવારે સવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે AIIMS દ્વારા 9 વાગ્યે બુલેટિન જાહેર કરવામાં આવશે, જેમાં વાજપેયીની તબિયતની વર્તમાન સ્થિતિ વિષે જાણકારી આપવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ ગઈકાલે AIIMS પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી આશરે 45 મિનિટ સુધી એઈમ્સમાં રહ્યાં હતાં અને વાજપેયીની તબિયત વિશે પૃચ્છા કરી હતી. 93 વર્ષના ભૂતપૂર્વ વડાપ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા ગત 11 જૂનથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમને કિડની અને યુરિનરી ઈન્ફેક્શનની તકલીફ છે.
વડાપ્રધાન પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પહેલા પણ વાજપેયીની તબિયત ઢીલી થઈ હતી ત્યારે રાજનાથ સિંહ, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે વાજપેયી 3 વાર વડાપ્રધાન પદ પર રહ્યા. તે પહેલીવાર 1996માં વડાપ્રધાન બન્યા અને તેમની સરકાર માત્ર 13 જ દિવસ ચાલી. 1998માં તે બીજી વાર વડાપ્રધાન બન્યા, ત્યારે તેમની સરકાર 13 મહિના સુધી ચાલી. 1999માં તે ત્રીજી વાર વડાપ્રધાન બન્યા અને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો.
લાલ કિલ્લા પર ભાષણમાં મોદીએ અટલજીને કર્યા યાદ
72મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. મોદીએ કહ્યું કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવતી વખતે અમે અટલજીના વિચારો પર ચાલીશું, જેઓ માનવતા, કાશ્મીરી અને ઝમહુરિયાત પર આધારિત હતા.
2009માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા
– 2009માં વાજપેયીની તબિયત લથડી હતી. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ અનેક દિવસો સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
– બાદમાં તેઓના સ્વાસ્થ્યમાં સુધાર જણાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
– ત્યારબાદ એવા સમાચાર હતા કે વાજપેયી લકવાના શિકાર છે, આ કારણે તેઓ કોઇની સાથે વાત કરતા નથી. બાદમાં તેઓની યાદશક્તિ પણ નબળી થઇ ગઇ હતી. તેઓએ લોકોને ઓળખવાનું પણ બંધ કરી દીધું હતું