આઇપીએલ 2023ની મિની ઓક્શનમાં વિદેશી ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. જો કે ભારતીય ખેલાડીઓ પણ આ મામલે પાછળ નથી. મયંક અગ્રવાલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે, જ્યારે શિવમ માવી આ યાદીમાં બીજા સ્થાને છે. બીજી તરફ ઝડપી બોલર મુકેશ કુમાર ત્રીજા સૌથી મોંઘા ભારતીય ખેલાડી છે. IPLની હરાજીમાં મુકેશ કુમાર કરોડપતિ બની ગયા છે. તેને દિલ્હી કેપિટલ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જણાવી દઈએ કે મુકેશની મૂળ કિંમત માત્ર 20 લાખ રૂપિયા હતી. દિલ્હીએ મુકેશ માટે સાડા 27 ગણી સંપૂર્ણ રકમ ચૂકવી છે. બિહારના ગોપાલગંજનો વતની મુકેશ અત્યંત ગરીબ પરિવારનો છે.
તેના પિતા કોલકાતામાં ઓટો ચલાવે છે.
મુકેશ કુમારે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ગોપાલગંજથી જ કરી હતી. તે શરૂઆતના તબક્કામાં જ ગોપાલગંજમાં જ રમતો હતો. મુકેશ કુમારે શાનદાર બોલિંગના આધારે બિહારની અંડર-19 ટીમ માટે ક્રિકેટ રમી હતી. દરમિયાન પરિવારની આર્થિક તંગીને જોતા તેના પિતાએ તેને નોકરી માટે કોલકાતા બોલાવ્યો હતો. પરંતુ મુકેશે ત્યાં પણ હિંમત ન હારી અને કોલકાતામાં ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું.
કોચે જીવન બનાવ્યું
મુકેશ કુમારે શાનદાર બોલિંગના આધારે કોલકાતાની ખાનગી ક્લબમાં રમવાનું શરૂ કર્યું. તેને ક્લબ ક્રિકેટની એક મેચ માટે 500 રૂપિયા ફી મળતી હતી. 2014માં જ્યારે મુકેશ બંગાળ ક્રિકેટ એસોસિએશનના ટ્રાયલ માટે પહોંચ્યો ત્યારે કોચ રણદેવ બોસ તેની બોલિંગના ચાહક બની ગયા હતા. કોચના કહેવા પર મુકેશને ઈડન ગાર્ડન્સના એક રૂમમાં માથું છુપાવવાની જગ્યા પણ મળી. આ પછી મુકેશે 2015માં બંગાળ માટે ડેબ્યૂ કર્યું હતું.
ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થયો, પરંતુ ડેબ્યૂ કરવાનો મોકો ન મળ્યો
બંગાળ માટે રણજી મેચોમાં શાનદાર બોલિંગના કારણે મુકેશને ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે જ વર્ષે મુકેશ કુમારની દક્ષિણ આફ્રિકા સામેની હોમ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. મુકેશે 33 ફર્સ્ટ ક્લાસ મેચમાં 123 વિકેટ લીધી છે. જ્યારે લિસ્ટ Aમાં 24 મેચમાં 26 વિકેટ લીધી છે. તેણે T20 ક્રિકેટની 23 મેચમાં 25 વિકેટ લીધી છે.