ભારત માટે ટોક્યો ઓલોમ્પિકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતની અવની લેખારા દ્વારા ટોક્યો ઓલિમ્પિકમાં દેશ માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ એસએચ1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
અવનીએ ફાઈનલમાં 249.6 પોઈન્ટ મેળવ્યા છે, જે પેરાલિમ્પિક્સ ગેમ્સના ઈતિહાસમાં નવો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ આ ચોથું મેડલ છે. ફાઈનલમાં અવની લેખારાએ ચીની મહિલા શૂટર ઝાંગને હરાવી હતી. તેમાં 248.9 પોઈન્ટ સાથે ચીનની મહિલા શૂટર બીજા સ્થાન પર રહી હતી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
જ્યારે અવની લેખારા દ્વારા ફાઈનલમાં 7 મા સ્થાને ક્વોલિફાય કરવામાં આવ્યું હતું અને કુલ 621.7 પોઈન્ટ મેળવવામાં આવ્યું હતું. અવની લેખારાએ ફાઈનલ દરમિયાન પોતાની ગેમમાં સારો સુધારો કર્યો હતો. તેણે ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અવની લેખારાએ ત્રીજા અને ચોથા પ્રયત્નમાં અનુક્રમે 104.9 અને 104.8 પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા. ક્વોલિફિકેશનના છેલ્લા પ્રયત્નમાં અવની દ્વારા 104.1 પોઈન્ટ મેળવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અવની લેખારાને શુભકામના આપી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “અવની લખેરાએ અસાધારણ પફોર્મન્સ આપ્યું છે. અથાક મહેનત બાદ ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. શૂટિંગ પ્રત્યેના તમારા ઉદ્યમ અને પેશનના કારણે આ સિદ્ધિ મળી છે. ભારતીય સ્પોર્ટ્સ માટે આ નિઃશંકપણે ખાસ ક્ષણ છે. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.”
જણાવી દઈએ કે, અવની લેખારા 11 વર્ષના હતા ત્યારે માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતા. અકસ્માતમાં કરોડરજ્જુમાં ઈજા થતાં અવની લકવાગ્રસ્ત થયા હતા. રાજસ્થાનના જયપુરની રહેવાસી અવની મહિલાઓની 10 મીટર એર સ્ટેન્ડિંગ શૂટિંગ ઈવેન્ટમાં વિશ્વ રેન્કિંગમાં પાંચમા સ્થાને છે.