પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત દિવસેને દિવસે લથડી રહી છે, ત્યારે રાજ્ય સરકાર પણ ચિંતિત બની ગઈ છે, અને હાર્દિક પટેલનો ઉકેલ લાવવા માટે વ્યૂહરચના ગોઠવી રહી છે. જેમાં હાર્દિક પટેલની તબિયત વધુ લથડે તે પહેલા તેને બાબા રામદેવની જેમ મધરાતે પોલીસ ઉઠાવીને સારવાર માટે લઈ જઈ શકે છે. આ માટે સરકાર ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા ગુજરાતના પાટીદાર વિસ્તારોનો સર્વે કરવામાં આવી રહ્યો છે કે, હાર્દિક પટેલની તબિયત બગડી હોવાના સમાચારની પાટીદાર સમાજ પર કેવી અસર પડે છે. જેના આધારે પોલીસ હાર્દિક પટેલને ગમે ત્યારે ઉઠાવી લઈને હોસ્પિટલમાં દાખલ કરી શકે.
હાર્દિકનો ઉકેલ લાવવા સરકાર ગંભીર
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ છેલ્લા પાંચ દિવસથી પોતાના નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ હાર્દિકની તબિયત લથડી રહી છે, તો બીજી બાજુ હાર્દિકના નિવાસસ્થાન અને ગુજરાતભરમાં તેના સમર્થકોની સંખ્યા પણ ઘટી રહી છે. હાર્દિક પટેલ સરકાર માટે માથાના દુખાવા રૂપ બની ગયો હોવાથી તેનો ઉકેલ કરવા માટે સરકાર ગંભીર વિચારણા કરી રહી છે.
પાટીદાર વિસ્તારો પર પોલીસની બાજ નજર
હાર્દિક પટેલના ઘરે માંડ 25 સમર્થકો છે, ત્યારે હાર્દિકની તબિયત લથડી હોવાના નામે પોલીસ મધરાતે હાર્દિકને ઉઠાવી લે એવી શક્યતાઓ છે, કેમ કે આ અગાઉ દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં ઉપવાસ પર ઉતરેલા બાબા રામદેવને મધરાતે પોલીસ ઉઠાવવા ગઈ હતી. આ જ પેટર્નથી હાર્દિકને ઉપવાસની છાવણીમાં પોલીસ ઉઠાવવાની તૈયારીઓ કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. જેના અનુસંધાને હાર્દિકના ઘરની આસપાસ પોલીસ કાફલો વધારી દેવામાં આવ્યો છે અને ચેકિંગ પણ વધુ કડક કરવામાં આવ્યું છે. જેની સાથે સાથે પોલીસ પાટીદાર વિસ્તારો પર પણ બાજ નજર રાખી રહી છે.
હાર્દિકનું રૂટિન ચેકઅપ
સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર પી.કે. સોલંકીએ હાર્દિકનું રૂટિન ચેકઅપ કર્યુ હતું. હાર્દિકનો ચાર દિવસમાં 1 કિલોગ્રામ વજન ઉતરી ગયું છે. યુરિનના સેમ્પલને આધારે ડૉક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવી છે. ફ્રૂટ અને જ્યુસ નહીં લે તો તેની કિડની પર અસર થઈ શકે છે. જેમાં હાર્દિકનું રેન્ડમ બ્લડ સુગર 99 આવ્યું હતું. તેને 78 પલ્સ ,120/84 બ્લડ પ્રેશર છે, જ્યારે વજન – 74.6 કિલો છે. યુરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેને લિક્વિડ વધારે લેવાની સલાહ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉપવાસના બીજા, ત્રીજા અને ચોથા દિવસે મેડિકલ ટીમે તેનું ચેકઅપ કર્યુ હતું. તેના ડિટેઈલ રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું.
હાર્દિક ઊભો થઈને ચાલી શકતો નથી
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ દરમિયાન ગઈકાલે તેનો મેડિકલ રિપોર્ટ આવ્યો હતો. તેમાં તેને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપવામાં આવી હતી અને જ્યુસ અને ફ્રૂટ લેવા કહેવાયું હતું. તેના આમરણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે. ત્યારે હાર્દિક શારીરિક રીતે અશક્ત થયો છે અને ઊઠીને ચાલી પણ શકતો નથી. તે 25 ઓગસ્ટના 3 વાગ્યાથી ઉપવાસ પર ઉતર્યો છે.
ત્રીજા દિવસે કોંગ્રેસના 28 MLA નો હાર્દિકને ટેકો
ઉપવાસના ત્રીજા દિવસે સોમવારે કોંગ્રેસના 28 ધારાસભ્યો હાર્દિક પટેલને ટેકો આપવા તેના નિવાસ સ્થાને પહોંચી તેની મુલાકાત લીધી હતી. જેમાં મોહનસિંહ રાઠવા, પુજા વંશ, વિરજી ઠુમર અને હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાયછે. પોલીસે પ્રવેશ ન આપતા ધારાસભ્યોએ રોડ ઉપર બેસીને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિકને ટેકો જાહેર કર્યો હતો.
રાજ્યમાં 144 ની કલમ લાગુ
હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્જ ઉતારી દેવામાં આવી છે