ભારતના ટોચના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું છે કે જો સ્થગિત એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ વચ્ચે ઓછામાં ઓછું એક મહિનાનું અંતર રહેશે તો તે આગામી વર્ષમાં આ બંને સ્પર્ધાઓમાં ભાગ લેશે. ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે એશિયન ગેમ્સ 2022 મુલતવી રાખવામાં આવી છે અને આયોજકોએ હજુ સુધી આ ખંડીય સ્પર્ધા માટે નવી તારીખોની જાહેરાત કરી નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપ સપ્ટેમ્બર 2023માં રશિયામાં યોજાશે અને તે ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ઈવેન્ટ છે.
બજરંગે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એવોર્ડ સમારોહ દરમિયાન વર્ચ્યુઅલ વાતચીતમાં કહ્યું કે 2023 એક મહત્વપૂર્ણ વર્ષ બનવા જઈ રહ્યું છે. મારું લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય કરવાનું રહેશે. એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ વચ્ચે શું ગેપ હશે તે અમને હજુ સુધી ખબર નથી. તેણે કહ્યું છે કે જો બંને વચ્ચે દોઢ મહિનાનો સમય હશે તો હું બંનેમાં ભાગ લેવાનો છું.
ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર 28 વર્ષીય બજરંગ ભૂતકાળની ભૂલોથી પરેશાન થવા માંગતો નથી અને પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. બજરંગે કહ્યું છે કે હું ઈજાગ્રસ્ત હતો અને ઓલિમ્પિક બાદ 8 મહિના સુધી તેમાંથી સાજો થઈ રહ્યો હતો. કોઈપણ ખેલાડી માટે ઓલિમ્પિક્સ મહત્વપૂર્ણ છે. ગોલ્ડ ન જીતવું એ આંચકો હતો પરંતુ તેમ છતાં મેં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 65 કિગ્રા એ વિશ્વની સૌથી અઘરી વજન શ્રેણી છે.