પગાર વધારા બાદ ધારાસભ્યો વિધાનસભામાં ટેબલ નીચે હાથ મિલવતા હતા,બધું પાંચ મિનિટમાં પતાવી દીધું અલ્પેશ ઠાકોર, જાણો બીજું શું કહ્યું

બનાસકાંઠાઃ વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ધારાસભ્યોના પગાર વધારા અંગેનું બિલ વિધાનસભામાં પસાર થવા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યુ કે બહાર પગાર વધારો લેવાની ના કહેનારા તમામ ધારાસભ્યોએ ગૃહમાં પગાર વધારા માટે હા પાડી હતી. એટલું જ નહીં પગાર સુધારા વિધેયક ગૃહમાં રજૂ થયા બાદ ધારાસભ્યો ટેબલ નીચે હાથ મિલાવી રહ્યા હતા.

લોકો મારવા દોડશે તેવા ડરને કારણે અમુકે આનાકાની કરી

બનાસકાંઠાના ગોળા ગામ ખાતે અંબાજી મેળાના પદયાત્રીકો માટે ક્ષત્રિય ઠાકોર સેનાના કેમ્પની મુલાકાતે આવેલા અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યુ કે, “અમુક ધારાસભ્યોને બહાર આવીને ભાન થયું હતું કે લોકો અમારા પર ગુસ્સો કાઢશે અથવા મારવા દોડશે.

આ કારણે તેઓ પગાર વધારો ન લેવાની વાતો કરી રહ્યા હતા. વિધાનસભામાં તમામ ધારાસભ્યોએ પગાર વધારા માટે હા પાડી હતી. બિલ પસાર થયા બાદ ધારાસભ્યો કોઈની નજર ન પડે તેમ ટેબલ નીચે હાથ મિલાવી રહ્યા હતા.”

50 ટકા ધારાસભ્યોને પગાર વધારાની જરૂર

ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યુ કે, “બીજી હકીકત એવી પણ છે કે 50 ટકા ધારાસભ્યો એવા છે જેમને ખરેખર પગાર વધારાની જરૂર છે. કારણ કે તેમના માટે તેમના પરિવારનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ છે. જે લોકો ખરેખર સમાજ સેવા કરી રહ્યા છે તેમના પગાર વધારાની જરૂર છે. બાકી એક લાખમાં કોઈ રાજનેતા સેવા ન કરી શકે. એક લાખમાં શું થાય? ધારાસભ્યએ ઘણા ખર્ચા કરવા પડતા હોય છે.

અનેક ધારાસભ્યો એવા છે જેમને લોકોએ પાંચ-25 હજારમાં ધારાસભ્ય બનાવી દીધા છે. તેમની પાસે ગાંધીનગર આવવા માટે ડીઝલના પણ પૈસા નથી. આ લોકોને પગાર વધારાની જરૂર છે. અમારા જેવા ધારાસભ્યોને પગાર વધારાની કોઈ જરૂર નથી.”

બધું પાંચ મિનિટમાં પતી ગયું

“કોઈએ મને પ્રશ્ન કર્યો હતો કે હું કેમ ચૂપ રહ્યો? વિધાનસભામાં કોઈને ખબર ન પડે તેમ આ બધુ પાંચ મિનિટમાં પતિ ગયું હતું. ઘણા ધારાસભ્યોએ એવું કહ્યું હતું કે હું તમામ રકમ શિક્ષણ પાછળ વાપરું છું. અમુક લોકોએ કહ્યું હતું કે અમે દવાખાના પાછળ રકમ વાપરીએ છીએ. આ લોકો પાસેથી હિસાબ કોણ માંગશે. ઘણા ધારાસભ્યોએ નૈતિકતાને નેવે મૂકી દીધી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top