અમદાવાદઃ તાજેતરમાં સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસના મુખ્ય સાક્ષી આઝમ ખાને મુંબઇમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં જુબાની આપીને મોટો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં આઝમ ખાને કહ્યું હતું કે, હરેન પંડ્યા(ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી)ની હત્યા ડી.જી. વણઝારાના ઇશારે સોહરાબુદ્દીને કરી હતી. પરંતુ આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, હરેન પંડ્યા હત્યા કેસની પ્રાથમિક તપાસ પણ ડી.જી. વણઝારાએ કરી હતી. આઝમ ખાનના આ નિવેદન બાદ હવે સવાલ એ થઇ રહ્યો છે કે, આ કેસમાં વણઝારા પાછળ કોણ છે?
હરેન પંડ્યા હત્યા કેસની પ્રાથમિક તપાસ વણઝારાએ કરી હતી
આ અંગે વિસ્તારથી વાત કરીએ તો 26 માર્ચ 2003ના રોજ અમદાવાદમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા થઇ હતી. ત્યાર બાદ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી એવા ડી.જી.વણઝારાને સોંપવામાં આવી હતી. આ કેસમાં વણઝારાની ટીમ આ કેસના આરોપી રહી ચૂકેલા અસગર અલી સુધી પહોંચી હતી. જો કે ત્યારબાદ આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. આ સમયે સીબીઆઇએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરેલી તપાસને આધાર માની તપાસ આગળ ધપાવી હતી. જેને પગલે
સીબીઆઇએ અસગર અલી સહિત 12 આરોપીઓની ધરપકડ કરી હતી. વર્ષ 2011 ગુજરાત હાઇકોર્ટે હરેન પંડ્યા હત્યા કેસના તમામ 12 આરોપીઓ વિરૂદ્ધ હત્યાના આરોપો પડતા મૂક્યા હતા.
આઝમ ખાનના નિવેદન બાદ ઉઠ્યા સવાલ
જે તપાસને આધાર માનીને સીબીઆઇએ તપાસ આગળ વધારી હતી, તે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી વણઝારાના સુપરવિઝનમાં થઇ હતી. આમ આઝમ ખાનના આ નિવેદન બાદ આ તપાસ સામે પણ અનેક સવાલો ઉઠે છે. તેમાં પણ આ કેસના તમામ આરોપીઓ નિર્દોષ છૂટી જતાં શંકા વધુ ઘેરી બની હતી.
સોહરાબુદ્દીન એન્કા.અને હરેન પંડ્યા મર્ડર કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા
હરેન પંડ્યા હત્યા કેસના ષડયંત્ર અને હત્યાના તમામ 12 આરોપીઓ હાઇકોર્ટમાં નિર્દોષ છૂટી ચૂક્યા છે. તો બીજી તરફ સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસમાં પણ અનેક આઇપીએસ અધિકારીઓ અને બિઝનેસમેન છૂટી ગયા છે.
શું છે હરેન પંડ્યા હત્યા કેસ
26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, 2003માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 25 જૂન, 2007ના રોજ હરેન પંડ્યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.
કોણ છે ડી.જી. વણઝારા
ગુજરાતના ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર-જનરલ ડાહ્યાભાઈ ગોબરજી વણઝારા 1987ની બૅચના આઈપીએસ અધિકારી છે અને એક્સ્ટ્રા જ્યુડિસિલ કિલિંગના આરોપ હેઠળ તેઓ વર્ષ 2007 થી 2015 સુધી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતની ઍન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૉડના વડા રહી ચૂક્યા છે. તેમના પર ઇશરત જહાં ઍન્કાઉન્ટર, સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર નકલી હોવાના આરોપ સાથે તેમને આ બન્ને એન્કાઉન્ટર કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.
હરેન પંડયાની હત્યા ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન દ્વારા કરાવી હતીઃ આઝમ ખાન
સોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. શનિવારે મુંબઇની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં મુખ્ય સાક્ષી આઝમ ખાને નિવેદનમાં એક સ્ફોટક નિવેદન આપ્યું છે. આઝમ ખાને અદાલતને કહ્યું હતું કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન શેખ દ્વારા કરાવી હતી. આઝમ ખાને સીબીઆઇ કોર્ટને કહ્યું કે, સોહરાબુદ્દીન અને તુલસી તેના સારા મિત્રો હતા અને સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે તેણે નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહિદ સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી હતી.
આઝમ ખાને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અંગે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે,તેણે જ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી અને તુલસીને પોતાની ફઇના મલ્લાતલાઇ સ્થિત મકાનની જગ્યામાં આશરો આપ્યો હતો. આ ત્રણેય લોકો અહીં જ રહેતા હતા.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના મોટિવ બદલાયા
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અનુસંધાનમાં સીબીઆઇએ જે ચાર્જશીટ રજૂ કરી હતી, તેમાં એન્કાઉન્ટરનો મોટિવ અલગ છે. આ ચાર્જશીટ મુજબ, સોહરાબુદ્દીને માર્બલના વેપારી વિમલ પટ્ટણી અને સંગમ ટેક્સટાઇલના એક વેપારીને ધમકી આપી ખંડણી માંગી હતી. આ વેપારીઓએ તેની જાણકારી રાજકીય નેતાઓને આપી હતી. ત્યાર બાદ ડીજી વણઝારા, રાજકુમાર પાંડિયન અને દિનેશ એમએનએ મળીને સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ આઝમ ખાને ટ્રાયલ કોર્ટમાં આપેલા નિવેદનમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો મોટિવ હરેન પંડ્યા હત્યા કેસ સાથે જોડાઇ ગયો છે. ચાર્જશીટમાં એન્કાઉન્ટર પાવર હાઉસ પાસે બતાવ્યું છે, જ્યારે આઝમે કહ્યું કે, સોહરાબુદ્દીન અને કૌસરબીની હત્યા તો ફાર્મ હાઉસમાં જ કરવામાં આવી હતી.
સોહરાબુદ્દીન અને નઇમુદ્દીન જાણતા એકબીજાના રહસ્યો
આઝમ ખાને કોર્ટને જણાવ્યું કે, એકવાર સોહરાબુદ્દીને તેને જણાવ્યું કે, આ નઇમુદ્દીનને મળવા માટે હૈદરાબાદ ગયો હતો. નઇમુદ્દીન દાઉદ ઇબ્રાહીમ સાથે વાત કરવા માગતો હતો. પરંતુ મેં તેને એમ કહીને મનાઇ કરી દીધી કે, દાઉદ તો કોઇ સાથે વાત કરતો નથી. હાં તેની છોટા શકીલ સાથે વાત કરાવી શકે છે. આ સમયે આઝમે સોહરાબુદ્દીનને ચેતવ્યો હતો કે, નઇમુદ્દીન સારો માણસ નથી તો સોહરાબુદ્દીને આઝમને વિશ્વાસ અપાવ્યો હતો કે, નઇમુદ્દીન તેની સાથે દગો કરી શકે નહીં કારણ કે, તે એકબીજાના રહસ્યો જાણે છે અને અમે જ હરેન પંડ્યાની હત્યા કરી હતી. જેના માટે અમને ડીજી વણઝારાએ સોપારી આપી હતી.
પહેલા અને હાલના નિવેદનમાં અલગ-અલગ સ્ટોરી
ઉલ્લેખનીય છે કે, જ્યારે સીબીઆઇ સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી હતી ત્યારે સીબીઆઇ ઇન્સ્પેક્ટર પવાર, વિશ્વાસ મીણા અને એનએસ રાજુએ અલગ-અલગ ત્રણવાર તેના સીઆરપીસીની કલમ 161 હેઠળ નિવેદનો લીધા હતા અને આઝમ આ કેસનો એક માત્ર એવો સાક્ષી છે જેના સીઆરપીસીની કલમ 164 હેઠળ કોર્ટમાં બેવાર નિવેદન લેવાઇ ચૂક્યા છે. જેમાં આઝમે જે સ્ટોરી કહી છે તે શનિવાર(3 નવેમ્બર)ના રોજ ટ્રાયલ કોર્ટમાં આપેલા નિવેદનોથી અલગ છે. આમ છતાં સીબીઆઇના સ્પેશિયલ વકીલ બીપી રાજુએ આ અંગે ના તો કોઇ સવાલ પૂછ્યો કે ના તો તેને હોસ્ટાઇલ જાહેર કર્યો.
સીબીઆઇ ઇન્સ્પેક્ટરે હરેન પંડ્યા હત્યા સંબંધિત નિવેદન નહોતું નોંધ્યું
તો બીજી તરફ બચાવ પક્ષના વકીલે આઝમ ખાનને પૂછ્યું કે, હરેન પંડ્યાની હત્યા સંબંધિત આ વાત તે આ પહેલા સીબીઆઇને આપેલા એકપણ નિવેદનમાં નથી. જેના જવાબમાં આઝમે જણાવ્યું કે, તેણે સીબીઆઇ ઇન્સ્પેક્ટર એનએસ રાજુને નિવેદન આપતી વખતે આ વાત કહી હતી. પરંતુ તેણે આ વાત લખવાથી ઇન્કાર કર્યો હતો અને મને કહ્યું કે, તેનાથી મોટી બબાલ થઇ જશે. આ વાત નિવેદનમાં લખાવ નહીં. મેં એનએસ રાજુને કહ્યું હતું કે, હું જે જાણું છું તે કહીશ.
શું છે હરેન પંડ્યા હત્યા કેસ
26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, 2003માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 25 જૂન, 2007ના રોજ હરેન પંડ્યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.
હરેન પંડ્યા હત્યા કેસના તમામ આરોપીઓ નિર્દોષ
વર્ષ 2011 ગુજરાત હાઇકોર્ટે હરેન પંડ્યા હત્યા કેસના તમામ 12 આરોપીઓ વિરૂદ્ધ હત્યાના આરોપો પડતા મૂક્યા હતા. વિશેષ પોટા અદાલતે તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. મુખ્ય આરોપી અસગરઅલીને નિર્દોષ જાહેર કરી પોતાનો ચૂકાદો આપતા હાઇકોર્ટે આ કેસમાં સીબીઆઈની તપાસ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે આ કેસમાં અગાઉ નવ આરોપીઓને જન્મટીપ અને બેને સાત વર્ષની તથા એકને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારાવામાં આવી હતી.