વાર્ષિક રૂ.300 કરોડનું ટર્નઓવર છતાં, રોજ ટેમ્પોમાં ફરીને કરે છે વૃક્ષોનું જતન
પર્યાવરણ બચાવવાનું ઝનૂન કેટલી હદે હોય છે તે જાણવું હોય તો દેશની અગ્રણી બ્રાન્ડ કાયમચૂર્ણવાળા ઉદ્યોગપતિ દેવેનભાઈ શેઠ કે જેમનું વાર્ષિક ટર્નઓવર 300 કરૂડ રૂા. છે. તેમને મળવું પડે. તેમણે છેલ્લા 10 વર્ષથી વૃક્ષો માટે અભિયાન છેડીને ભાવનગરને બેંગાલૂરૂ જેવું હરિયાળુ શહેર બનાવવા માટે ભેખ ધરી લીધો છે. અત્યાર સુધીમાં દેવેનભાઈએ એકલા હાથે ઝઝૂમીને 7000 જેટલા વૃક્ષોની ભેટ ભાવેણા નગરીને આપી છે. ગુજરાતમાં ગાંધીનગર બાદ ભાવનગર શહેરને ગ્રીનસિટી બનાવવામાં સિંહફાળો આપ્યો છે.
વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે તેમની સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અભિયાનના બી બેંગાલૂરૂ શહેરની મુલાકાત દરમિયાન તેમના મનમાં વવાયા હતા. તે શહેરને જોઈને મનોમન નક્કી કરી લીધું કે, મારા શહેરને પણ આવું હરિયાળુ બનાવીશ. તે સમયે ભાવનગર કોર્પોરેશન દ્વારા 1111 લીમડાનું વૃક્ષારોપણ કરવામાં આવતા અને તેનું જતન નહિ થતાં જીવ કકળી ઉઠ્યો અને તેની જ્વાળાએ શહેરને આપ્યો પર્યાવરણનો પાક્કો દોસ્ત. આજે દસ વર્ષે તે ધગશ લગીરેય ઓછી થઈ નથી.
પહેલા પોતાની એસયુવી કાર ઝાયલોમાં 40-40 કેરબા ભરી પોતે વાવેલા વૃક્ષોને પાણી પાવા નીકળતા હતા. ત્યારબાદ તેમાં 40 કેરબા ઓછા પડતા આજે સ્પેશિયલ વૃક્ષોના જતન માટે છોટા હાથી ટેમ્પો વસાવી લીધો છે. તેમાં 1500 લીટર પાણીની સિન્ટેક્ષની ટાંકી મુકવામાં આવી છે. રોજ સવારે 6 વાગે તેઓ છોટા હાથી ટેમ્પોમાં નીકળી પડે છે અને એક હાથમાં સ્ટીયરીંગ તેમજ એક હાથમાં પાણીની નોજર વડે વૃક્ષોને પાણી પાતા હોય છે.
5મી જૂને પર્યાવરણ દિવસ દર વર્ષે આવે છે, પરંતુ દેવેનભાઈ શેઠ જેવા પર્યાવરણપ્રેમીઓ માટે દરરોજ પર્યાવરણ દિન છે અને તેમના જેવા વ્યક્તિઓને કારણે જ આજે વિશ્વનું પર્યાવરણ ટક્યું છે, તેમાં બે મત નથી.
વાત કાયમચૂર્ણ ના મલિક શેઠ બ્રધર્સ ની કે જેને શૂન્યમાંથી સર્જન કરીયુ ….
દિવસે છૂટક મજૂરી, સાંજે કચરો વીણવાનું કામ… એમાં ટંકનું ખાવા મળે એટલી પણ કમાણી નહિ.
વાત મારા ને તમારા જેવા ની જેને શૂન્યમાંથી સર્જન કરીયુ
નવ વર્ષની વયે દિવસે પીપરમીન્ટની ગોળીઓ બનાવતાં કારખાનામાં છૂટક મજૂરી કરવાની અને સાંજ પડ્યે શહેરમાં કાગળ અને કચરો વીણવા નીકળવાનું. એક કોથળો ભરાય એટલા કાગળ મળે ત્યારે પસ્તીના બે-ત્રણ રૂપિયા મળે. મૂળ નગરશેઠનું, પરંતુ ગરીબીમાં ઘસાઈને કંગાળ થઈ ગયેલું ઘર ને એમાં કિશોર વયના ચાર ભાઈઓ અને બે બહેનો માતા સાથે રહે.
પિતાના અવસાન પછી સગાં-વહાલાં બધી સંપત્તિ ખાઈ ગયા અને શેઠ પરિવાર રસ્તા પર આવી ગયો હતો. દારૂણ ગરીબીમાં મોટા ભાઈ રસિકભાઈ વડવાઓનો વૈદકનો ધંધો કરે, પણ એમાં ટંકનું ખાવા મળે એટલી પણ કમાણી નહિ.
- સફળતાની જીદે બનાવ્યા કચરો વીણનારને ઉદ્યોગપતિ.
- દિવસે છૂટક મજૂરી, સાંજે કચરો વીણવાનું કામ.
- ભાવનગરની કાયમચૂર્ણ બ્રાન્ડ આજે દેશવિદેશમાં પ્રખ્યાત છે.
ઘરમાં હાંડલા કુસ્તી કરે એવી ભયંકર ગરીબીમાંથી સમૃદ્ધ અને સફળ થવાની જીદથી બહાર આવેલા શેઠ બ્રધર્સનું આજે વિશ્વભરમાં નામ છે. કાયમચૂર્ણ નામની તેમની કબજિયાતની દવા માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે અને શેઠ બ્રધર્સ વિશાળ ઉદ્યોગગૃહના માલિક છે. સોૈથી મોટાભાઈ રસિકભાઈ પિતાજી પાસેથી વૈદક શિખ્યા હતા તે જ્ઞાન તેમણે ભાઈઓને આપ્યું. અશોકભાઈ શેઠ, જેના નામથી આજે શેઠ બ્રધર્સ પ્રખ્યાત છે. તેઓ 10 વર્ષની ઉંમરે વૈદું શીખ્યા હતા અને બાળાગોળી વગેરે ઓસડિયાં વેચવા ભાડાની સાઇકલ લઈને આજુબાજુનાં ગામડાંમાં ફરતા. સાથે અન્ય મજૂરી પણ કરી લેતા.
યુવાનીમાં વિવિધ ફાર્મસીઓમાં નોકરી કરી પણ તબિયતને કારણે નોકરી છોડી. તે સમયે હીરા ઘસવાનાં કારખાનામાં નવાં નવાં શરૂ થયાં હતાં. તેના હીરાઘસુઓના બેઠાડુ જીવનને કારણે પેટ ફૂલી જાય તે માટેની દવા બનાવી અને નામ આપ્યું ઇલેક્ટ્રા. આ દવા વેચવા અશોકભાઈ કારખાનાંનાં પગથિયાં ઘસતાં. એ સમયે એક પત્રકારે રસિકભાઈ પાસે જાહેરખબર માગી.
રસિકભાઈએ અમસતાં કહ્યું કે, ‘મારું પોતાનું પૂરું થતું નથી ત્યાં જાહેરખબર ક્યાંથી આપું, પરંતુ પત્રકાર ધરાર જાહેરાત લઈ જ ગયા. એ જાહેરાત કોમલા ગુટિકાની હતી. જાહેરાત છપાતાં ઘરાકી જામી પડી, પછી આવી જ જાહેરાત મુંબઈમાં આપી અને ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો.
આજે પણ અશોકભાઈ શેઠ અને રસિકભાઈના પુત્ર દેવેન્દ્ર શેઠ આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે દોડતા રહે છે. દેવેન્દ્ર શેઠ તો આજે પણ સવારે ઓફિસ જવા નીકળે ત્યારે પાણીના દસેક કેરબા ગાડીમાં લઈને નીકળે છે અને રસ્તામાં વૃક્ષોને પાણી પાય છે. દેવેન્દ્ર શેઠની સાથે હવે અન્ય યુવાનો પણ જોડાયા છે, ગ્રીન સિટી બનાવવા માટે.