ભાવનગરમાં ૧૬ વર્ષીય સગીરાની હત્યાને લઈને થયો મોટો ખુલાસો, આ રીતે ખેલાયો હતો ખૂની ખેલ

ભાવનગરના થોરડી ગામના 23 સપ્ટેમ્બરના મળેલ 16 વર્ષીય સગીરા ભૂમિની હત્યા બાબતમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ભાવનગરના ચિત્રાની રહેવાસી સગીરાની હત્યા તેની જ નજીકની સંબંધી 17 વર્ષીય સગીરા અને તેના પ્રેમી દ્વારા કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમનો ભાંડો ફોડી નાખતાં રોષે ભરાયેલી સગીરા અને તેનાં પ્રેમીએ ભેગાં મળીને ભૂમિની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટના વિશે વાત કરવામાં આવે તો 23 સપ્ટેમ્બરના ઘોઘા તાલુકાના થોરડી ગામે 16 વર્ષીય સગીરા ભૂમિની હત્યા કરાયેલી લાશ મળી આવતા હાહાકાર સર્જાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ લાશ ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેનારી સગીરાની હતી. ભૂમિ 16 સપ્ટેમ્બરના મામાના પરિવાર સાથે થોરડી ગામે માંડવા પ્રસંગ અંગે આવી હતી ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી.

જ્યારે પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, થોરડી ગામે 16 વર્ષીય ભૂમિ છેલ્લે પોતાની નજીકની સંબંધી એવી 17 વર્ષીય સગીરા સાથે દેખાઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તેની આકરી પુછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસ પુછપરછમાં સગીરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેણે અને તેના પ્રેમી કાર્તિક ડુંમરાળીયાએ ભેગાં મળીને ભૂમિની હત્યા કરી નાખી હતી.

તેની સાથે હત્યા પાછળનું કારણ કહેતા 17 વર્ષીય સગીરા દ્વારા કહેવામાં આવ્યું છે કે, મૃતક ભૂમિએ તેનો અને કોલેજમાં અભ્યાસ કરનાર તેના પ્રેમીના પ્રેમસંબંધનો ભાંડો ફોડી દીધો હતો. આ સિવાય સંબંધીઓમાં પણ વાતો કરીને બદનામી પણ કરી હતી. જેના કારણે આક્રોશમાં આવેલી 17 વર્ષીય સગીરાને તેની હત્યા કરી નાખવાનો પ્લાન બનાવી દીધો હતો.

આ માટે તેણે ભૂમિને થોરડી ગામે માંડવા પ્રસંગ માટે બોલાવી હતી. જ્યારે થોરડી ગામે પહોંચ્યા બાદ રાત્રિના સમયે તેણે ભૂમિને જણાવ્યું હતું કે, મારો પ્રેમી મળવા આવ્યો છે. તું પણ મળવા ચાલ. ત્યાર બાદ સગીરા ભૂમિને તળાવ પાસે લઈ ગઈ હતી, જ્યાં તેનો પ્રેમી પહેલાથી જ હાજર હતો. બંનેએ ભેગાં મળીને ભૂમિનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. તેમ છતાં આટલાથી સગીરાનો રોષ શાંત પડ્યો નહોતો. તેણે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે ભૂમિના પેટમાં ઉપરાઉપરી ઘા ઝીંકી નાખ્યા હતા. તેની લાશને તળાવમાં પણ ફેંકી દીધી હતી.

Scroll to Top