ભયાનક અકસ્માત: હીરાપુર પાસે બે ટ્રક વચ્ચે થયો ગંભીર અકસ્માત, દુર્ઘટનાગ્રસ્ત ટ્રકની પાછળ ઘૂસી જતાં હેડ કોન્સ્ટેબલનું પણ મોત

નડિયાદ-કપડવંજ રોડ પર અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. જ્યારે ગતમોડી રાત્રીના કપડવંજ-કઠલાલ રોડ પર હીરાપુરા પાસે બે ટ્રકો સામસામે અથડાતા ભયાનક અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રકચાલકનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે બે વ્યક્તિઓ ઈજાઓ થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર રહ્યો હતો કે, બે ટ્રક પૈકી એક ટ્રકના કેબિનનો ભૂકો થઈ ગયો હતો. જેના લીધે ટ્રકના કેબિનમાં ફસાયેલા મૃતક ડ્રાઇવરના મહામહેનતે ક્રેન દ્વારા બહાર નીકાળવામાં આવ્યો હતો. તેનાથી તમે અંદાજ લગાવી શકો છો આ અકસ્માત કેટલો ભયાનક હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, કપડવંજ તાલુકાના હીરાપુરા પાસેથી કપડવંજ-કઠલાલ રોડ પર મોડી રાત્રીના ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી ફૂલ ઝડપે આવી રહેલી ટ્રકે ટક્કર મારી દીધી હતી. તેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો.

આ દરમિયાન જાણવા મળ્યું છે કે, બંને ટ્રકો પૈકી રાજસ્થાન પાર્સિંગના ટ્રક ચાલક ગણેશ રામલાલ ડાંગી ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ કપડવંજ રૂરલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને ટ્રકના કેબીનમાંથી ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આ સમગ્ર બાબતમાં જગદીશચંદ્ર શંકરજિત ડાંગીની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હેડ કોન્સ્ટેબલને ધુમ્મસને કારણે ટ્રક ના દેખાતો તેનો પણ જીવ ગયો: જ્યારે આ અકસ્માત બાદ આ જ રસ્તા પર બીજી એક દુર્ઘટના થઈ હતી. હેડકોન્સ્ટેબલ પૃથ્વીસિંહ બારૈયા નાઈટ શિફ્ટ પૂરી કરીને મહેમદાવાદ પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન ધૂમસભર્યા વાતવરણના કારણે તે અકસ્માત બાદ ઊભેલી આ ટ્રકમાં ઘૂસી ગયા હતા, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેમનું પણ ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. પ્રાપ્ત માહતી મુજબ, 32 વર્ષીય પૃથ્વીસિંહ ફૂલસિંહ બારૈયા આતરસુંબા પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા હતા.

Scroll to Top