રશિયાનું મોટું પગલું: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી બહાર નીકળવાની જાહેરાત

રશિયા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છોડશે: યુક્રેન પર રશિયાના હુમલા હજુ પણ ચાલુ છે. આ દરમિયાન રશિયાએ એક મોટી જાહેરાત કરી છે. રશિયાએ કહ્યું છે કે તે 2024 પછી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની બહાર થઈ જશે અને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. દેશના નવનિયુક્ત સ્પેસ ચીફ યુરી બોરીસોવે મંગળવારે આ વાત કહી.

બોરીસોવ રોસકોસમોસના વડા તરીકે નિયુક્ત

બોરીસોવને આ મહિનાની શરૂઆતમાં રાજ્ય-નિયંત્રિત અવકાશ નિગમ રોસકોસમોસના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે રશિયા આ પ્રોજેક્ટ છોડતા પહેલા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અન્ય ભાગીદારો પ્રત્યેની તેની જવાબદારીઓ પૂરી કરશે.

2024 સુધીમાં આઈએસએસ છોડી દેશે

બોરીસોવે કહ્યું, ‘2024 પછી સ્ટેશન છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હું માનું છું કે ત્યાં સુધીમાં અમે રશિયન સ્પેસ સ્ટેશનનું નિર્માણ કરવાનું શરૂ કરી દઈશું.આપને જણાવી દઈએ કે 1998માં આઈએસએસના પ્રથમ ઘટકને લોન્ચ કરવામાં આવ્યા બાદથી રશિયા આ સમગ્ર પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. બોરીસોવે કહ્યું કે અવકાશ ઉદ્યોગ મુશ્કેલ પરિસ્થિતિમાં હતો. તેમણે કહ્યું કે તેઓ અન્ય વસ્તુઓની સાથે રશિયન અર્થતંત્રને આવશ્યક અવકાશ સેવાઓ પ્રદાન કરવા માટે વધુ શોધ કરશે.

રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે

યુક્રેનમાં ક્રેમલિનની સૈન્ય કાર્યવાહીને લઈને રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. નાસા અને રોસકોસ્મોસ એ આ મહિનાની શરૂઆતમાં મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચે તણાવ હોવા છતાં અવકાશયાત્રીઓ માટે રશિયન રોકેટ ઉડવાનું ચાલુ રાખવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો