ભારત-પાકિસ્તાન સરહદ પર BSF ની સૌથી મોટી કાર્યવાહી કરાઈ, 300 કરોડની હેરોઇન જપ્ત કરી

BSF દ્વારા રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં આવેલ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર માદક પદાર્થો વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા 56 કિલો 600 ગ્રામના હેરોઇન જપ્ત કર્યા છે. જ્યારે આ જપ્ત કરવામાં આવેલ હેરોઇનની બજાર કિંમત 300 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. બીએસએફે આ દરમિયાન પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુષણખોરીનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ તસ્કરોના પ્રયાસને નિષ્ફળ કરી નાખ્યો હતો. બીએસએફ તરફથી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, તસ્કરો સરહદ પારથી હેરોઇનની તસ્કરી એક પાઇપ દ્વારા કરતા જોવા મળ્યા હતા. હેરોઇન પીસી પાઇપમાં નાખીને તારની બીજી તરફ ભારતીય સરહદમાં નાખવામાં આવી રહી હતી. બીએસએફના જવાનો દ્વારા અડધી રાત્રીના વાવાઝોડા વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પાકિસ્તાની તસ્કરો ભાગવામાં સફળ રહ્યા હતા.

બીએસએફ ડીઆઇજી પુષ્પેન્દ્ર સિંહે કહ્યું હતું કે, બીએસએફ પાસે પહેલા આ વિસ્તારનું ઇનપુટ રહેલું હતું. જેના પર તમામ લોકો એલર્ટ હતા. બુધવારે અડધી રાત્રીના 2 વાગ્યે ખાજૂવાલાની બંદલી પોસ્ટ પાસે સરહદ પર BSF ની 127 બટાલિયનના જવાનોને અહેસાસ થઈ ગયો હતો કે, સરહદ પર કઇક હરકત જોવા મળી રહી છે. વાવાઝોડા વચ્ચે સરહદ પર થતી હરકતને જોનારા ઉપકરણોના સહયોગથી પાકિસ્તાની તસ્કરોને શોધી પાડવામાં આવ્યા હતા.

પાકિસ્તાન તસ્કરો ભારતીય તસ્કરોના ઇશારા પર પાઇપની મદદથી હેરોઇનને તારની નીચેથી ભારતીય સીમામાં નાખી રહ્યા હતા. જવાનોને તેનો અંદેશો થતા ફાયરિંગ શરૂ કરી દીધું હતું તો પાકિસ્તાન અને ભારતના તસ્કરો ફરાર થઇ ગયા હતા. હવે બીએસએફ સાથે અન્ય એજન્સીઓ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવશે.

Scroll to Top