બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે જે ચોંકાવનારી છે. અહીં એક 18 વર્ષની છોકરી પર તેના પિતા દ્વારા દરરોજ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ગંદા કૃત્યમાં યુવતીની માતા પણ તેના પતિનો સાથ આપતી હતી. જ્યારે પણ દીકરી વિરોધ કરતી તો બંને તેને ડરાવીને ચૂપ કરી દેતા હતા. આખરે યુવતીએ તેના પિતાના આ કૃત્યનો વીડિયો બનાવ્યો અને પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી. આ પછી આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી પિતા શિક્ષક છે
પીડિત દીકરી એ જણાવ્યું કે તેના પિતા વ્યવસાયે શિક્ષક છે. 50 વર્ષીય પિતા દરરોજ તેની સાથે રેપ કરતો હતો. જ્યારે તેણે તેની માતાને આ અંગે ફરિયાદ કરી તો તે છોકરીને જ દોષ આપવાનું શરૂ કરી દેતી હતી. પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે તેના પિતાની ગંદી હરકતોથી કંટાળી ગઈ ત્યારે તેણે તેનો વીડિયો બનાવ્યો અને રોસડા પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી.
પોલીસે અગાઉ ફરિયાદ નોંધી ન હતી
યુવતીનો આરોપ છે કે પહેલા તો પોલીસે તેની ફરિયાદ નોંધી ન હતી અને તેને પોલીસ સ્ટેશનથી ભગાડી દીધી હતી, પરંતુ જ્યારે મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવ્યો તો પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી પિતાની ધરપકડ કરી હતી. એસડીપીઓ સહરિયાર અખ્તરે કહ્યું કે વીડિયોમાં દેખાતી યુવતી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેની ફરિયાદના આધારે આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સાચી માહિતી સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.