સગાઇ કરીને ઘરે પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત

બિહારના પૂર્ણિયામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સ્કોર્પિયો ગાડી પાણી ભરેલા ખાડામાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. આ ઘટના બયાસી વિસ્તારના અનગઢ ગામની છે. આ અકસ્માત મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ થયો હતો.

બિયાસીની એસડીઓ કુમારી તૌસીએ જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો લગ્ન સંબંધ નક્કી કરીને ખાપરા તારાબારીથી કિશનગંજ જિલ્લાના નુનિયા ગામ પાછા જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. અચાનક લોકોથી ભરેલી સ્કોર્પિયો ખાડામાં પડી ગઈ, જેમાંથી અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે.

પોલીસ અને રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા.

કાંજિયાના મુખિયા સમરેન્દ્ર ઘોષે જણાવ્યું કે આ ઘટના રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. અચાનક સ્કોર્પિયો કાર પાણી ભરેલા ખાડામાં પડી હતી. ધારદાર વળાંક પર સ્કોર્પિયો બેકાબૂ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

મૃતકો કિશનગંજ જિલ્લાના રહેવાસી હતા

મુખિયાએ કહ્યું કે તમામ મૃતકો કિશનગંજ જિલ્લાના રહેવાસી છે. બાયસાના સીઓ રાજશેખરે કહ્યું કે વાહનની અંદર અન્ય એક વ્યક્તિ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. ડાઇવર્સને બોલાવવામાં આવ્યા છે. તેમની મદદથી વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે.

Scroll to Top