બીલીમોરામાં યુવાનોએ પોલીસ વાહનનો દૂરપયોગ કરી સ્ટંટ વીડિયો બનાવતા ધરપકડ, 3 પોલીસકર્મી સસ્પેન્ડ

નવસારીના બીલીમોરાનો એક સ્ટંટનો વીડિયો હાલ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં યુવાનોએ પોલીસ કન્ટ્રોલ વાનનો ઉપયોગ કરીને સ્ટંટ વીડિયો બનાવતા જોવા મળે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારીના બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં ઉભેલી પોલીસ વાનનો ઉપયોગ કરીને એક યુવાને સ્ટંટ વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો. આ વીડિયોમાં યુવક ફિલ્મી ઢબે પોલીસ વાનમાંથી નીચે ઉતરી જોખમી સ્ટંટ કરતો જોવા મળે છે. નોંધનીય છે કે, આ સ્ટંટમાં યુવક દ્વારા સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવતા ઘણા સવાલો ઉઠવા પામ્યા હતા.

આ કેસ મામલે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, 6 સપ્ટેમ્બરના રોજ સોમવતી અમાસના કારણે પોલીસ બંદોબસ્ત મંદિર ખાતે ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન સ્થાનિક છોકરાઓએ ત્યાં સ્ટંટ વીડિયો અને ફોટોગ્રાફી માટે સરકારી વાહનનો ઉપયોગ કર્યો હતો.

પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું કે, જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ 3 પોલીસ જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે વીડિયો બનાવનાર 4 જેટલા યુવાનોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય યુવાનો સામે IT એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Scroll to Top