GujaratNews

ભાજપ સરકારે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી, ઇસુદાન ગઢવીએ કર્યા મોટા ખુલાસા

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક વીડિયો દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા વિશે વાત કરતાં કહ્યું કે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે એક તરફ ગુજરાત સરકાર શાળાઓમાં પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ કરવા જઈ રહી છે તો બીજી તરફ ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકોની ઘટ છે, ગુજરાત સરકાર તેને સમાપ્ત કરવા માટે કોઈપણ પગલાં ભરી રહી નથી. આજે ગુજરાતની 18000 શાળાઓમાં વર્ગખંડોની અછત છે, 6400 શાળાઓમાં રમતગમત માટે મેદાન પણ નથી. મને સમજાતું નથી કે આ કેવી શાળા છે જ્યાં કોઈ વર્ગખંડ નથી અને મેદાન નથી. આવી સ્થિતિમાં ગુજરાતના બાળકો ક્યાં ભણશે અને કેવી રીતે રમશે? ગુજરાતમાં આ તમામ શાળાઓની હાલત એવી છે કારણ કે ત્યાં કોઈ સાંસદ કે ધારાસભ્યનો પુત્ર અભ્યાસ કરતો નથી, માત્ર ગરીબ લોકોના બાળકો જ અભ્યાસ માટે જાય છે.

ગુજરાતમાં મર્જરના નામે 6000થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી છે. આપણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સારું શિક્ષણ લે અને ભણી-ગણી ને આગળ વધે તેના માટે આપણે તેમને સારી શિક્ષણ વ્યવસ્થા આપવી પડશે કેમકે, શિક્ષણ તેમનો અધિકાર છે.

જો શાળાઓમાં શિક્ષકો જ નથી તો આવા કાર્યક્રમો કરવાથી શું ફાયદો થશે? ભાજપ સરકાર પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરીને શિક્ષકોની ઘટ છુપાવી શકશે નહિ. શાળા શરૂ થાય તે પહેલા જ સરકારે યોગ્ય સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવી જોઈએ. પહેલાથી જ રાજ્યમાં બેરોજગારોની સંખ્યા ઘણી વધારે છે તેથી જો આ બેરોજગાર યુવાનોને શિક્ષકોની નોકરી મળે તો રોજગારની સમસ્યાની સાથે સાથે શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યા પણ દૂર થઈ શકે તેમ છે.

માત્ર પ્રાથમિક શાળાઓમાં જ 10,000 થી વધુ શિક્ષકોની અછત છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત હોવી એ અત્યંત વિકટ પરિસ્થિતિ ની વાત છે. ગુજરાત સરકાર માટે શરમજનક બાબત છે કે શિક્ષકોની આટલી મોટી અછત છે. અમને સમજાતું નથી કે, ભાજપની ભ્રષ્ટ સરકાર વિકાસની વાતો કયા મોઢે કરે છે. ગુજરાતના શિક્ષકોની આ ઘટ ગુજરાતના બાળકો સાથે અન્યાય છે. શાળામાં શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર પડે છે.

ગુજરાત સરકારને મારી આ અપીલ છે કે પ્રવેશોત્સવની સાથે સાથે શાળાઓમાં 25000 શિક્ષકોની અછતનો અંત આવે. આ સાથે 18000 વર્ગખંડની અછત છે, તે પણ પૂરી કરવી જોઈએ, 6400 શાળાઓમાં જ્યાં મેદાન નથી ત્યાં મેદાનની વ્યવસ્થા કરવામાં આવે અને જે શાળાઓ મર્જરના નામે બંધ થઈ ગઈ છે તે ફરીથી ચાલુ કરવામાં આવે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker