‘સ્મશાન’ નહીં, BJP મંદિરો માટે ખર્ચી રહી છે જનતાના પૈસા: CM યોગી

અયોધ્યા, ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં અગાઉની સરકારો પર કટાક્ષ કરતા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે ભાજપ સરકાર કબ્રસ્તાન માટે જમીન ખરીદવા પર જનતાના પૈસા ખર્ચી રહી નથી, પરંતુ મંદિરોના પુનર્નિર્માણ અને સુંદરતા પર ખર્ચ કરી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આયોજિત ભવ્ય દીપોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રામ કથા પાર્કમાં પહોંચેલા યોગીએ એ પણ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભ મેળવનારા લોકોને આવતા વર્ષે હોળી સુધી મફત રાશન મળતું રહેશે.

તેમણે જણાવ્યું કે કોવિડ-19 મહામારીના સમયે ગરીબ લોકોને મફત રાશન આપવાની આ યોજના આ વર્ષે નવેમ્બરમાં સમાપ્ત થઈ રહી હતી, પરંતુ સરકારે તેને આવતા વર્ષની હોળી એટલે કે માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. મહામારી હજુ સુધી સમાપ્ત થઇ નથી, તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લોકોને ઘઉં અને ચોખાની સાથે મીઠું, ખાંડ, દાળ અને તેલ પણ મળશે. ઉત્તર પ્રદેશમાં 15 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે. સીએમ યોગીએ 661 કરોડ રૂપિયાના 50 અલગ-અલગ પ્રોજેક્ટ પણ લૉન્ચ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષની શરૂઆતમાં જ ચૂંટણી યોજાવાની છે.

2023 સુધીમાં તૈયાર થઇ જશે રામ મંદિર: યોગીએ કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તે 2023 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. આ સાથે કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશમાં 500 મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોની શોભા વધારી રહી છે. આ પૈકી 300થી વધુ સાઈટ પર કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીની સાઈટોનું કામ આગામી બે મહિનામાં પૂર્ણ થઈ જશે.

31 વર્ષ પહેલા કાર સેવામાં રામ ભક્તો પર ચલાવવામાં આવી હતી ગોળી: અગાઉની સરકારો પર પ્રહાર કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું: “તમને યાદ હશે કે આજથી બરાબર 31 વર્ષ પહેલા, 30 ઓક્ટોબર 1990 અને 2 નવેમ્બર 1990ના રોજ, આ અયોધ્યામાં રામભક્તો અને કાર સેવકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે સમયે “જય શ્રી રામ”ના નારા લગાવવા અને રામ મંદિર માટે અવાજ ઉઠાવવો એ ગુનો માનવામાં આવતો હતો, પરંતુ લોકશાહીની તાકાત કેટલી મજબૂત હોય છે, તેનો તમને અહેસાસ કરાવ્યો.

31 વર્ષ પહેલા જે લોકો રામભક્તો પર ગોળીબાર કરી રહ્યા હતા, આ લોકતંત્રની શક્તિના કારણે જ આજે તમારી સામે ઝૂક્યા છે. લાગે છે કે થોડા ઘણા વર્ષ જો તમે આ જ રીતે લઇ જઈ તો, આગામી કાર સેવા માટે તો તે લોકોના આખા પરિવાર લાઈનમાં ઉભા દેખાશે. આગામી કાર સેવા જયારે થશે ત્યારે ગોળી નહીં ચાલે, ત્યારે રામભકતો પર કૃષ્ણ ભક્તો પર ફૂલોની વર્ષા થશે, આ જ લોકશાહીની શક્તિ છે.

 

Scroll to Top