બોટાદના સાળંગપુર રોડ પર આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા એક સ્કૂલ બસ ફસાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી સામે આવી છે કે, બસ જ્યારે પાણીમાં ફસાઈ ત્યારે તેમાં 40 જેટલા વિદ્યાર્થીઓ સવાર રહેલા હતા. ત્યાર બાદ સ્થાનિકોની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ અહીં સામાન્ય વરસાદમાં પણ અંડરબ્રિજમાં પાણી ભરાય જતા હોય છે. જેના લીધે લોકોને ખૂબ હેરાનગતી થાય છે. સ્કૂલ બસમાંથી તમામ બાળકોને બહાર કાઢીને બીજી બસમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરીસ્થિતિ એવી છે કે, અહીં નાના વાહનો તો પસાર થઈ શકતા નથી. તંત્ર તરફથી આ બાબતમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે નહીં તો ભવિષ્યમાં અહીં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
જ્યારે બોટાદના મુખ્ય પ્રવેશ માર્ગ એવા સાળંગપુર રોડ પર આવેલ ‘આફતનો અંડરબ્રિજ’ તાજેતરમાં અંદાજે 25 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. તેમ છતાં પ્રથમ ચોમાસામાં જ બ્રિજની કામગીરીને લઈને પોલી ખુલી ગઈ છે. આ અંડરબ્રિજ વરસાદ હોય કે ન હોય, તેમાં સતત બે ફૂટ જેટલું પાણી ભરાયેલું જોવા મળે છે.
ગઈકાલના 24 કલાક દરમિયાન માત્ર 3.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ આ અંડરબ્રિજમાં ચાર ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું હતું. આ પાણીમાંથી ખાનગી શાળા જ્ઞાન મંદિર વિદ્યાપીઠની બસ અંદાજે 40 વિદ્યાર્થીઓ સાથે પસાર થઈ રહી હતી. તેમ છતાં વધારે પડતા પાણીને કારણે બસ ફસાઇ હતી.
ત્યાર બાદ તાત્કાલિક સ્થાનિકોની મદદથી બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અંડરબ્રિજમાં ભરાતા પાણીને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. કેમકે વરસાદ ન હોય તો પણ આ અંડરબ્રિજમાં પાણી ભરેલું રહેતું હોવાથી લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે દરરોજ લોકો દ્વારા અહીંથી વાહનો સાથે મુશ્કેલી અને જોખમ સાથે પસાર થવું પડી રહ્યું છે. તંત્ર દ્વારા અહીં ઝડપથી કોઈ નિવારણ નહીં લાવવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પરીસ્થિતિ એવી રહેલી છે કે, અહીંથી નાના વાહનો પસાર થઈ શકતા નથી.