GujaratNews

ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું, કિડની અને લીવરના દાનથી 3 વ્યક્તિના બચાવવામાં આવ્યા જીવ

ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત અંગદાન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિના કિડની અને લિવરનું દાન કરવાનો પરિવારજનો દ્વારા નિર્ણય લેવાતા સુરતની ડોનેટ લાઈફ સંસ્થા અને અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલના પ્રયત્નોથી આ કામગીરી કરાઈ હતી. જેમાં કિડની તેમજ લીવર અમદાવાદની હોસ્પિટલમાં લઇ જઇ 3 વ્યક્તિને નવું જીવન આપવામાં આવ્યું હતું. અંગદાન એ મહાદાન આ સૂત્ર આપણે ઘણી વખત વાંચ્યું અને સાંભળ્યું છે. જ્યારે હવે આ બાબતમાં ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં પ્રથમ વખત આ સૂત્ર સાર્થક કરવામાં આવ્યું છે. જેના કારણે તેનાથી 3 વ્યક્તિને નવ જીવન આપવામાં આવ્યા છે.

સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલા કુમકુમ બંગલોઝમાં રહેનાર 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિ ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક પરથી પસાર થઈ રહ્યાં હતા તે દરમ્યાન રાયમાં ગામ નજીકના માર્ગમાં ભૂંડ આવી જતા તેમનો અકસ્માત થઈ ગયો હતો. જેના કારણે તેઓને પ્રાથમિક સારવાર માટે હાંસોટ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં ગંભીર ઇજાના કારણે હોસ્પિટલના તબીબો દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરી દેવામાં આવ્યા હતા.

તબીબો દ્વારા પ્રજાપતિ પરિવારને અંગદાન અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં પરિવારજનો દ્વારા અંગદાન આપવામાં રજામંદી અપાઈ હતી. સુરતની લાઈફ ડોનેટ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમ જરૂરી મંજૂરી લઈને અંકલેશ્વર પહોંચી ગઈ હતી. ત્યાર જરૂરી તબીબી કામગીરી કર્યા બાદ કાંતિભાઈના શરીરમાંથી બે કિડની અને લીવર કાઢવામાં આવ્યા હતા. તેમની કિડની અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જરૂરિયાતમંદ દર્દીને અપાઈ રહી છે.

જ્યારે લીવરનું અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આવી રીતે બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરના અંગોના કારણે 3 વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું છે. આ કામગીરી બદલ સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના પ્રતિનિધિઓ અને અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા સરાહનીય કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. તેની સાથે પ્રજાપતિ પરિવારની આ પહેલના કારણે 3 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker