સલામ દેશભક્તિ: બહાદુર યુક્રેનિયન સૈનિકે રશિયન ટેન્કોને રોકવા પુલ સાથે પોતાને ઉડાવી દીધો

રશિયાના હુમલાના કારણે યુક્રેનમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા છે. એક મિલિયનથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. ત્યાં જ રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ દેશમાંથી ભાગી જવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે તે યુક્રેનમાં છે અને તેમના અંતિમ શ્વાસ સુધી ઊભા રહેશે. આ દરમિયાન યુદ્ધ સાથે જોડાયેલી કેટલીક ભાવનાત્મક ઘટનાઓ પણ સામે આવી રહી છે. ક્રિમીઆમાં એક યુક્રેનિયન સૈનિકે રશિયન સેનાને રોકવા માટે પુલ સાથે પોતાને ઉડાવી દીધો છે.

પુલની સુરક્ષાની જવાબદારી હતી

‘ધ સન’ના અહેવાલ મુજબ યુક્રેનિયન સૈનિકની આ બહાદુરીના કારણે રશિયન સેનાના કાફલાને બીજા છેડે જવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. યુક્રેનિયન સૈનિક જેણે પુલ પર પોતાની જાતને ઉડાવી દીધી હતી તેની ઓળખ વિટાલી શકુન તરીકે થઈ છે. વિટાલી શકુનને ક્રિમીયન સરહદ પર ખેરસન ક્ષેત્રમાં હેનિચેસ્ક પુલની રક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો હતો.

તે જાણતો હતો કે તેનું બચવું મુશ્કેલ હતું

યુક્રેનની સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે તેના ફેસબુક પેજ પર જણાવ્યું છે કે રશિયન સેનાના કાફલાને રોકવાનો એકમાત્ર રસ્તો પુલને ઉડાવી દેવાનો હતો અને તેથી બટાલિયને આ નિર્ણય લીધો હતો. આ પછી પુલની આસપાસ વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા પરંતુ ત્યાંથી બહાર નીકળવાનો સમય એટલો ઓછો હતો કે વિસ્ફોટ કરનાર સૈનિકનું મૃત્યુ નિશ્ચિત હતું. બધું જાણીને વિટાલીએ આ કર્યું અને દેશ માટે પોતાનો જીવ આપ્યો.

મરણોત્તર એનાયત કરવામાં આવશે

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સૈનિક વિતાલી શકુને સંદેશો મોકલ્યો હતો કે તે પુલને ઉડાવી દેવા જઈ રહ્યો છે. થોડી વાર પછી જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. તેના આ પ્રયાસે રશિયન સૈનિકોના કાફલાને ત્યાં રોકી દીધા હતા. પુલની બીજી તરફ જવા માટે રશિયન સૈનિકોને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે બધા યુક્રેનિયનો આપણા દેશ માટે મુશ્કેલ સમયમાં સાથે ઉભા છે. યુક્રેનિયન લોકો રશિયન કબજેદારોને બધી દિશામાંથી ખદેડી રહ્યા છે. વિટાલી શકુનને તેમની બહાદુરી માટે મરણોત્તર વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

Scroll to Top