વિશ્વભરના ઈન્ટરનેટને રશિયન સબમરીનથી ખતરો છે. દરિયામાં વિસ્તરેલા ઈન્ટરનેટના મુખ્ય કેબલો રશિયન સબમરીન દ્વારા તૂટી શકે છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં માહિતીની આપ-લે અટકી શકે છે. જો તેના કારણે એક પણ કેબલ તૂટે તો તેને યુદ્ધ કરવા માટેની કવાયત ગણવામાં આવશે. આ ચેતવણી બ્રિટનના નવા ડિફેન્સ ચીફ ટોની રાડાકિને આપી છે.
મીડિયા અહેવાલો અનુસાર બ્રિટનના ડિફેન્સ ચીફ એડમિરલ ટોની રાડાકિને રશિયાને ચેતવણી આપી છે કે રશિયન સબમરીન દરિયાની નીચે ફેલાયેલા ઈન્ટરનેટ કેબલ માટે ખતરો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં માહિતીની આપ-લે અટકી શકે છે અથવા વિક્ષેપિત થઈ શકે છે. ટોનીએ કહ્યું કે આ કેબલ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ સપ્લાય કરે છે. જો તેમાં વિક્ષેપ આવશે, તો તે માનવામાં આવશે કે રશિયાએ યુદ્ધની શરૂઆત કરી છે.
મીડિયા સથે વાતચીતમાં એડમિરલ સર ટોની રાડાકિને જણાવ્યું છે કે, રશિયાએ છેલ્લા 20 વર્ષમાં દરિયાની નીચે તેની પ્રવૃત્તિઓ વધારી છે. તેમની સબમરીનો મુખ્ય ઈન્ટરનેટ નેટવર્ક માટે ખતરો છે. મોસ્કો પોતાની પ્રવૃત્તિઓના કારણે સમગ્ર વિશ્વમાં માહિતીના પ્રવાહને રોકી શકે છે.
એડમિરલ ટોની રાડાકિને જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ કેબલનું મુખ્ય નેટવર્ક એ ઊંડાઈએ છે જેમાં રશિયન સબમરીન ડાઈવ કરે છે. રશિયા પાસે આ વાયરોને નુકસાન પહોંચાડવાની અથવા તોડવાની ક્ષમતા પણ છે. જો રશિયા આવું કરશે તો આખી દુનિયામાં ઈન્ટરનેટનું સંકટ આવી જશે. જે તમામ દેશોની અર્થવ્યવસ્થા, કોમ્યુનિકેશન, કનેક્ટિવિટી વગેરે બંધ કરી દેશે.
ટોની રાડાકિને કહ્યું કે રોયલ નેવી છેલ્લા 20 વર્ષથી રશિયાની દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. તેની સબમરીનની સંખ્યા, ટ્રાફિકનો માર્ગ અને તેની સાથે જોડાયેલા જોખમોનો અભ્યાસ સતત ચાલી રહ્યું છે. ડિસેમ્બર 2020માં એક રશિયન સબમરીન બ્રિટિશ ટાઇપ 23 ફ્રિગેટ HMS નોર્થમ્બરલેન્ડ સાથે અથડાઈ હતી. ત્યારે જાણકારી મળી કે રશિયાની સબમરીન ઈન્ટરનેટ કેબલનો નકશો બનાવી રહી છે.
આ સિવાય સર ટોની રાડાકિને કહ્યું કે, બ્રિટનને હાઇપરસોનિક હથિયાર બનાવવાની જરૂર છે. અમારી પાસે અત્યારે આવા હથિયારો નથી. અમે આ બાબતમાં નબળા છીએ. જો રશિયા યુક્રેનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે તો અમારી પાસે સૈન્ય કાર્યવાહી કરવાનો રસ્તો છે.
આગામી અઠવાડિયે આ મામલો ઉકેલાય તેવી શક્યતા છે. અમેરિકા અને નાટો સાથે મળીને રશિયા સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. જેમાં યુક્રેન નજીક રશિયન સૈન્ય સંરચના પર ખતરો, દરિયાઇ ઈન્ટરનેટ કેબલ સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થવાની શક્યતાઓ છે.